________________ ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્યની વૃદ્ધિ અટકે તેથી મોક્ષસાધનનાં કારણ અટકે એ વિચારવું અલ્પ દ્રષ્ટિથી યોગ્ય દેખાય, પણ તથારૂપ ત્યાગ વૈરાગ્યનો યોગ પ્રાપ્ત થયે, મનુષ્યદેહનું સફળપણું થવા અર્થે, તે યોગનો અપ્રમત્તપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કરવો, તે વિચાર તો પૂર્વાપર અવિરુદ્ધ અને પરમાર્થદ્રષ્ટિથી સિદ્ધ કહેવાય. આયુષ્ય સંપૂર્ણ છે તથા આપણે સંતતિ થાય તો તેઓ મોક્ષસાધન કરશે એવો નિશ્ચય કરી, સંતતિ થશે જ એવું માન્ય રાખી, પાછો આવો ને આવો ત્યાગ પ્રકાશિત થશે, એવું ભવિષ્ય કલ્પીને આશ્રમપૂર્વક પ્રવર્તવાનું કયો વિચારવાન એકાંતે યોગ્ય ગણે ? પોતાના વૈરાગ્યમાં મંદપણું ન હોય, અને જ્ઞાની પુરુષ જેને ત્યાગ કરવા યોગ્ય ગણતા હોય, તેણે બીજાં મનોરથમાત્ર કારણોનો અથવા અનિશ્ચિત કારણોનો વિચાર છોડી દઈ નિશ્ચિત અને પ્રાપ્ત ઉત્તમ કારણનો આશ્રય કરવો એ જ ઉત્તમ છે, અને એ જ મનુષ્યપણાનું સાર્થક છે; બાકી વૃદ્ધિ આદિની તો કલ્પના છે; ખરેખરો મોક્ષમાર્ગ નાશ કરી માત્ર મનુષ્યની વૃદ્ધિ કરવાની કલ્પના કર્યા જેવું કરીએ તો બને. એ આદિ ઘણાં કારણોથી પરમાર્થદ્રષ્ટિથી જે બોધ્યું છે તે જ યોગ્ય જોવામાં આવે છે. ઉપયોગ આવા પ્રશ્નોત્તરમાં વિશેષ કરી પ્રેરવો કઠણ પડે છે, તોપણ સંક્ષેપમાં જે કંઈ લખવાનું બન્યું તે ઉદીરણાવત કરીને લખ્યું છે. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાનીપુરુષનાં વચનને લૌકિક આશયમાં ન ઉતારવાં, અથવા અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે, અને જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે; તેવા પ્રસંગોથી કેટલીક વાર પરમાર્થદ્રષ્ટિ ક્ષોભ પમાડવા જેવું પરિણામ આવે છે. વડના ટેટા કે પીપળનાં પીપાંનું રક્ષણ પણ કંઈ તેના વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ્ય કહ્યાં છે, એમ સમજવું યોગ્ય નથી. તેમાં કોમળપણું હોય છે ત્યારે અનંતકાયનો સંભવ છે, તથા તેને બદલે બીજી ઘણી ચીજોથી નિષ્પાપપણે રહી શકાય છે, છતાં તે જ અંગીકાર કરવાની ઇચ્છા રાખવી તે વૃત્તિનું ઘણું તુચ્છપણું થાય છે, તેથી તે અભક્ષ્ય કહ્યાં છે, તે યથાર્થ લાગવા યોગ્ય છે. પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે, પણ ઉપર દર્શાવ્યાં જે વડના ટેટા વગેરેનાં કારણો તેવાં કારણો તેમાં રહ્યાં નથી, તેથી તે અભક્ષ્ય કહ્યું નથી, જો કે તેનું પાણી વાપરવાની પણ આજ્ઞા છે, એમ કહ્યું નથી, અને તેથી પણ અમુક પાપ થાય એવો ઉપદેશ છે. આગળના કાગળમાં બીજના સચિત-અચિત સંબંધી સમાધાન લખ્યું છે તે કોઈ એક વિશેષ હેતુથી સંક્ષેપ્યું છે. પરંપરા રૂઢિ પ્રમાણે લખ્યું છે, તથાપિ તેમાં કંઈક વિશેષ ભેદ સમજાય છે, તે લખ્યો નથી, લખવા યોગ્ય નહીં લાગવાથી લખ્યો નથી. કેમકે તે ભેદ વિચારમાત્ર છે, અને તેમાં કાંઈ તેવો ઉપકાર સમાયો દેખાતો નથી. 1 પત્રાં 701-4.