________________ અલૌકિક દ્રષ્ટિ પામીને અથવા અલૌકિક દ્રષ્ટિની અસરથી કોઈ પણ મનુષ્ય નાની વયમાં ત્યાગી થાય તો તેથી જે ગૃહસ્થાશ્રમપણું પામ્યા ન હોય તેના વંશનો અથવા ગૃહસ્થાશ્રમપણું પામ્યા હોય અને પુત્રોત્પત્તિ ન થઈ હોય તેના વંશનો નાશ થવાનો વખત આવે, અને તેટલાં મનુષ્યો ઓછાં જન્મવાનું થાય, જેથી મોક્ષસાધનના હેતુભૂત એવા મનુષ્યદેહની પ્રાપ્તિ અટકાવવા જેવું બને, એમ લૌકિક દ્રષ્ટિથી યોગ્ય લાગે. પણ પરમાર્થ દ્રષ્ટિથી તે ઘણું કરીને કલ્પનામાત્ર લાગે છે. કોઈ પણ પૂર્વે પરમાર્થમાર્ગને આરાધીને અત્રે મનુષ્યપણું પામ્યા હોય, તેને નાની વયથી જ ત્યાગવૈરાગ્ય તીવ્રપણે ઉદયમાં આવે છે, તેવા મનુષ્યને સંતાનની ઉત્પત્તિ થયા પછી ત્યાગ કરવાનો ઉપદેશ કરવો, અથવા આશ્રમના અનુક્રમમાં મૂકવા તે યથાર્થ દેખાતું નથી, કેમકે મનુષ્યદેહ તો બાહ્ય દ્રષ્ટિથી અથવા અપેક્ષાપણે મોક્ષસાધનરૂપ છે, અને યથાર્થ ત્યાગવૈરાગ્ય તો મૂળપણે મોક્ષસાધનરૂપ છે, અને તેનાં કારણો પ્રાપ્ત કરવાથી મનુષ્યદેહનું મોક્ષસાધનપણું ઠરતું હતું, તે કારણો પ્રાપ્ત થયે તે દેહથી ભોગાદિમાં પડવાનું કહેવું, એ મનુષ્યદેહને મોક્ષસાધનરૂપ કરવા બરાબર કહેવાય કે સંસારસાધનરૂપ કરવા બરાબર કહેવાય, તે વિચારવા યોગ્ય છે. વેદોક્ત માર્ગમાં ચાર આશ્રમ બાંધ્યા છે તે એકાંતે નથી. વામદેવ, શુકદેવ, જડભરતજી એ આદિ આશ્રમના ક્રમ વગર ત્યાગપણે વિચર્યા છે. જેથી તેમ થવું અશક્ય હોય, તેઓ પરિણામે યથાર્થ ત્યાગ કરવાનો લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તે સામાન્ય રીતે ઠીક છે, એમ કહી શકાય. આયુષ્યનું એવું ક્ષણભંગુરપણું છે કે, તેવો ક્રમ પણ વિરલાને જ પ્રાપ્ત થવાનો વખત આવે. કદાપિ તેવું આયુષ્ય પ્રાપ્ત થયું હોય તોપણ તેવી વૃત્તિએ એટલે પરિણામે યથાર્થ ત્યાગ થાય એવો લક્ષ રાખીને પ્રવર્તવાનું તો કોઈકથી જ બને તેવું છે. જિનોક્ત માર્ગનો પણ એવો એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવે માણસે ત્યાગ કરવો. તથારૂપ સત્સંગ, સગુરૂનો યોગ થયે, તે આશ્રયે કોઈ પૂર્વના સંસ્કારવાળો એટલે વિશેષ વૈરાગ્યવાન પુરુષ ગૃહસ્થાશ્રમ પામ્યા પહેલાં ત્યાગ કરે તો તેણે યોગ્ય કર્યું છે, એમ જિનસિદ્ધાંત પ્રાયે કહે છે, કેમકે અપૂર્વ એવાં સાધનો પ્રાપ્ત થયે ભોગાદિ ભોગવવાના વિચારમાં પડવું, અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી પોતાનું પ્રાપ્ત આત્મસાધન ગુમાવવા જેવું કરવું, અને પોતાથી સંતતિ થશે તે મનુષ્યદેહ પામશે તે મોક્ષ સાધનરૂપ થશે, એવી મનોરથમાત્ર કલ્પનામાં પડવું તે મનુષ્યપણાનું ઉત્તમપણું ટાળીને પશુવત કરવા જેવું થાય. ઇંદ્રિયાદિ શાંત થયાં નથી, જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં હજી જે ત્યાગ કરવાને યોગ્ય નથી, એવા કોઈ મંદ કે મોહવૈરાગ્યવાન જીવને ત્યાગ લેવો પ્રશસ્ત જ છે, એમ કંઈ જિનસિદ્ધાંત એકાંતે નથી. પ્રથમથી જ જેને ઉત્તમ સંસ્કારવાળો વૈરાગ્ય ન હોય તે પુરુષ કદાપિ ત્યાગનો પરિણામે લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તેણે એકાંતે ભૂલ જ કરી છે, અને ત્યાગ જ કર્યો હોત તો ઉત્તમ હતું. એમ પણ જિનસિદ્ધાંત નથી. માત્ર મોક્ષસાધનનો પ્રસંગ પ્રાપ્ત થયે તે પ્રસંગ જતો કરવો ન જોઈએ, એમ જિનનો ઉપદેશ છે.