________________ જીવને અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાયકપણું હોય છે. તેથી વિશેષ ક્ષયોપશમે સ્પર્શેન્દ્રિયની લબ્ધિ કંઈક વિશેષ વ્યક્ત (પ્રગટ) થાય છે, તેથી વિશેષ ક્ષયોપશમે સ્પર્શ અને રસેન્દ્રિયની લબ્ધિ ઉત્પન્ન થાય છે, એમ વિશેષતાથી ઉત્તરોત્તર સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ તથા શબ્દને ગ્રહણ કરવા યોગ્ય એવો પંચેંદ્રિય સંબંધી ક્ષયોપશમ થાય છે. તથાપિ થયોપશમદશામાં ગણનું સમવિષમપણું હોવાથી સર્વાગે તે પંચેંદ્રિય સંબંધી જ્ઞાન, દર્શન, થતાં નથી, કેમકે શક્તિનું તેવું તારતમ્ય (સત્વ) નથી, કે પાંચ વિષય સર્વી ગ્રહણ કરે. યદ્યપિ અવધિ આદિ જ્ઞાનમાં તેમ થાય છે, પણ અત્રે તો સામાન્ય ક્ષયોપશમ, અને તે પણ ઇંદ્રિય સાપેક્ષ ક્ષયોપશમનો પ્રસંગ છે. અમુક નિયત પ્રદેશમાં જ તે ઇંદ્રિયલબ્ધિનું પરિણામ થાય છે તેનો હેતુ ક્ષયોપશમ તથા પ્રાપ્ત થયેલી યોનિનો સંબંધ છે કે નિયત પ્રદેશે (અમુક મર્યાદા-ભાગમાં) અમુક અમુક વિષયનું જીવને ગ્રહણ થાય. ત્રીજા પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે, “શરીરના અમુક ભાગમાં પીડા હોય ત્યારે જીવ ત્યાં વળગી રહે છે, તેથી જ ભાગમાં પીડા છે તે ભાગની પીડા વેચવા સારુ તમામ પ્રદેશ તે તરફ ખેંચાતા હશે ? જગતમાં કહેવત છે કે જ્યાં પીડા હોય ત્યાં જીવ વળગી રહે છે. તેનો સંક્ષેપમાં ઉત્તર : તે વેદના વેચવામાં કેટલાક પ્રસંગે વિશેષ ઉપયોગ રોકાય છે અને બીજા પ્રદેશનું તે ભણી કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. કોઈ પ્રસંગમાં વેદનાનું બહલપણું હોય તો સર્વ પ્રદેશ મૂર્છાગત સ્થિતિ પણ ભજે છે, અને કોઈ પ્રસંગમાં વેદના કે ભયના બહલપણે સર્વ પ્રદેશ એટલે આત્માની દશદ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય છે. આમ થવાનો હેતુ પણ અવ્યાબાધ નામનો જીવસ્વભાવ તથા પ્રકારે પરિણામી નહીં હોવાથી, તેમ વીર્યંતરાયના ક્ષયોપશમનું સમવિષમપણું હોય છે. આવાં પ્રશ્નો કેટલાક મુમુક્ષ જીવને વિચારની પરિશુદ્ધિને અર્થે કર્તવ્ય છે, અને તેવા પ્રશ્નોનું સમાધાન જણાવવાની ચિત્તમાં સહજ ક્વચિત્ ઇચ્છા પણ રહે છે; તથાપિ લખવામાં વિશેષ ઉપયોગ રોકાઈ શકવાનું ઘણી મુશ્કેલીથી થાય છે. અને તેથી કોઈક વખત લખવાનું બને છે. અને કોઈક વખત લખવાનું બની શકતું નથી, અથવા નિયમિત ઉત્તર લખવાનું બની શકતું નથી. ઘણું કરીને અમુક કાળ સુધી તો હાલ તો તથા પ્રકારે રહેવા યોગ્ય છે; તોપણ પ્રશ્નાદિ લખવામાં તમને પ્રતિબંધ નથી.