________________ યથાર્થ કહેવાય, પણ ચિત્ત અસ્થિરવતુ હોય, અને પરમાર્થસંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તો તે ઉદીરણા જેવું થાય, તેમ જ અંતવૃત્તિનો યથાતથ્ય તેમાં ઉપયોગ નહીં હોવાથી તે આત્મબુદ્ધિથી લખ્યું કે કહ્યું નહીં હોવાથી કલ્પિતરૂપ કહેવાય. જેથી તથા તેવાં બીજાં કારણોથી પરમાર્થ સંબંધી લખવાનું તથા કહેવાનું ઘણું ઓછું થઈ ગયું છે. આ સ્થળે સહજ પ્રશ્ન થશે, કે ચિત્ત અસ્થિરવત થઈ જવાનો હેતુ શો છે ? પરમાર્થમાં જે ચિત્ત વિશેષ એકાગવત રહેતું તે ચિત્ત પરમાર્થમાં અસ્થિરવત થવાનું કારણ કંઈ પણ જોઈએ. જો પરમાર્થ સંશયનો હેતુ લાગ્યો હોય, તો તેમ બને, અથવા કોઈ તથાવિધ આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદયના બળથી તેમ થાય. આ બે હેતુથી પરમાર્થવિચાર કરતાં, લખતાં કે કહેતાં ચિત્ત અસ્થિરવત વર્તે. તેમાં પ્રથમ કહ્યો તે હેતુ વર્તવાનો સંભવ નથી. માત્ર બીજો હેતુ કહ્યો તે સંભવે છે. આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદય હોવાથી તે હેતુ ટાળવાનો પુરુષાર્થ છતાં કાળક્ષેપ થયા કરે છે; અને તેવા ઉદય સુધી તે અસ્થિરતા ટળવી કઠણ છે, અને તેથી પરમાર્થસ્વરૂપ ચિત્ત વિના તે સંબંધી લખવું, કહેવું એ કલ્પિત જેવું લાગે છે, તો પણ કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે. વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં તે અસારભૂત અને સાક્ષાત ભ્રાંતિરૂપ લાગવાથી તે સંબંધી જે કંઈ લખવું કે કહેવું તે તુચ્છ છે, આત્માને વિકળતાનો હેતુ છે, અને જે કંઈ લખવું કહેવું છે તે ન કહ્યું હોય તો પણ ચાલી શકે એવું છે, માટે જ્યાં સુધી તેમ વર્તે ત્યાં સુધી તો જરૂર તેમ વર્તવું ઘટે છે; એમ જાણી ઘણી વ્યાવહારિક વાત લખવા, કરવા, કહેવાની ટેવ નીકળી ગઈ છે. માત્ર જે વ્યાપારાદિ વ્યવહારમાં તીવ્ર પ્રારબ્ધોદયે પ્રવૃત્તિ છે ત્યાં કંઈક પ્રવૃત્તિ થાય છે. જોકે તેનું પણ યથાર્થપણું જણાતું નથી. શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી; એવો નિશ્ચળ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળને વિષે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે. જે પ્રશ્ન આજના પત્રમાં બીડ્યાં છે તેનો સમાગમે ઉત્તર પૂછશો. દર્પણ, જળ, દીપક, સૂર્ય અને ચક્ષુના સ્વરૂપ પર વિચાર કરશો તો કેવળજ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશકપણું થાય છે એમ જિને કહ્યું છે તે સમજવાને કંઈક સાધન થશે.