________________ લોકોમાં તે પ્રવૃત્તિ કરતાં માનભંગ થવાનો પ્રસંગ આવે તો તે માનભંગ પણ સહન ન થઈ શકે એમ હોવાથી પ્રભાવના હેતુથી ઉપેક્ષા કરવામાં આવતી હોય એમ પણ લાગતું નથી. કારણ કે તે માનામાન વિષે ચિત્ત ઘણું કરી ઉદાસીન જેવું છે, અથવા તે પ્રકારમાં ચિત્તને વિશેષ ઉદાસીન કર્યું હોય તો થઈ શકે એમ છે. શબ્દાદિ વિષયો પ્રત્યેનું કોઈ બળવાન કારણ પણ અવરોધક હોય એમ જણાતું નથી. કેવળ તે વિષયોનો સાયિકભાવ છે એમ જોકે કહેવા પ્રસંગ નથી, તથાપિ તેમાં વિરસપણું બહપણે ભાસી રહ્યું છે. ઉદયથી પણ ક્યારેક મંદ રુચિ જન્મતી હોય તો તે પણ વિશેષ અવસ્થા પામ્યા પ્રથમ નાશ પામે છે, અને તે મંદ રચિ. વેદતાં પણ આત્મા ખેદમાં જ રહે છે, એટલે તે રુચિ અનાધાર થતી જતી હોવાથી બળવાન કારણરૂપ નથી. બીજા કેટલાક પ્રભાવક થયા છે, તે કરતાં કોઈ રીતે વિચારદશાદિનું બળવાનપણું પણ હશે; એમ લાગે છે કે તેવા પ્રભાવક પુરુષો આજે જણાતા નથી, અને માત્ર ઉપદેશકપણે નામ જેવી પ્રભાવનાએ પ્રવર્તતા કોઈ જોવામાં, સાંભળવામાં આવે છે, તેમના વિદ્યમાનપણાને લીધે અમને કંઈ અવરોધકપણું હોય એમ પણ જણાતું નથી. અત્યારે તો આટલું લખવાનું બન્યું છે. વિશેષ સમાગમ પ્રસંગે કે બીજે પ્રસંગે જણાવીશું. આ વિષે તમે અને શ્રી ડુંગર જો કંઈ પણ વિશેષ જણાવવા ઇચ્છતા હો, તો ખુશીથી જણાવશો. વળી અમારાં લખેલાં કારણો સાવ બહાનારૂપ છે એમ વિચારવા યોગ્ય નથી, એટલો લક્ષ રાખજો.