________________ આત્મદ્રવ્યનો પણ તેમને લક્ષ થયો છે, અને તે અવ્યક્ત લક્ષથી તે બીજજ્ઞાન તેમણે ગાયું છે. અવ્યક્ત લક્ષનો અર્થ અત્રે એવો છે કે ચિત્તવૃત્તિ આત્મવિચારમાં વિશેષપણે લાગી રહેવાથી પરિણામની નિર્મળ ધારા બનારસીદાસને જે અંશે પ્રગટી છે, તે નિર્મળધારાને લીધે પોતાને દ્રવ્ય આ જ છે એમ જોકે સ્પષ્ટ જાણવામાં નથી, તોપણ અસ્પષ્ટપણે એટલે સ્વાભાવિકપણે પણ તેમના આત્મામાં તે છાયા ભાયમાન થઈ છે. અને જેને લીધે એ વાત તેમના મુખથી નીકળી શકી છે; અને સહજ આગળ વધતાં તે વાત તેમને સાવ સ્પષ્ટ થઈ જાય એવી દશા તે ગ્રંથ કરતાં તેમની પ્રાયે રહી છે. શ્રી ડુંગરના અંતરમાં જે ખેદ રહે છે તે કોઈ રીતે યોગ્ય છે, અને તે ખેદ ઘણું કરીને તમને પણ રહે છે, તે જાણવામાં છે. તેમજ બીજા પણ કેટલાક મુમુક્ષુ જીવોને એ પ્રકારનો ખેદ રહે છે એ રીતે જાણવામાં છતાં, અને તમ સૌનો એ ખેદ દૂર કરાય તો સારું એમ મનમાં રહેતાં છતાં પ્રારબ્ધ વેદીએ છીએ. વળી અમારા ચિત્તમાં એ વિષે અત્યંત બળવાન ખેદ છે. જે ખેદ દિવસમાં પ્રાયે ઘણા ઘણા પ્રસંગે સ્ફર્યા કરે છે, અને તે ઉપશમાવવાનું કરવું પડે છે, અને ઘણું કરી તમ વગેરેને પણ અમે વિશેષપણે તે ખેદ વિષે લખ્યું નથી, કે જણાવ્યું નથી. અમને તેમ જણાવવાનું પણ યોગ્ય લાગતું નહોતું, પણ હાલ શ્રી ડુંગરે જણાવવાથી, પ્રસંગથી જણાવવાનું થયું છે. તમને અને ડુંગરને જે ખેદ રહે છે, તેથી તે પ્રકાર વિષે અમને અસંખ્યાતગુણવિશિષ્ટ ખેદ રહેતો હશે એમ લાગે છે. કારણ કે જે જે પ્રસંગે તે વાત આત્મપ્રદેશમાં સ્મરણ થાય છે, તે તે પ્રસંગે બધા પ્રદેશ શિથિલ જેવા થઈ જાય છે, અને જીવનો નિત્ય સ્વભાવ હોવાથી જીવ આવો ખેદ રાખતાં છતાં જીવે છે; એવા પ્રકારના ખેદ સુધી પ્રાપ્ત થાય છે. વળી પરિણામાંતર થઈ થોડા અવકાશે પણ તેની તે વાત પ્રદેશે પ્રદેશે ક્રુરી નીકળે છે, અને તેવી ને તેવી દશા થઈ આવે છે, તથાપિ આત્મા પર અત્યંત દ્રષ્ટિ કરી તે પ્રકારને હાલ તો ઉપશમાવવો જ ઘટે છે, એમ જાણી ઉપશમાવવામાં આવે છે. શ્રી ડુંગરના કે તમારા ચિત્તમાં એમ આવતું હોય કે સાધારણ કારણોને લીધે અમે એ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી, તે યોગ્ય નથી. એ પ્રકારે જો રહેતું હોય તો ઘણું કરી તેમ નથી, એમ અમને લાગે છે. નિત્ય પ્રત્યે તે વાતનો વિચાર કરવા છતાં હજુ બળવાન કારણોનો તે પ્રત્યે સંબંધ છે, એમ જાણી જે પ્રકારની તમારી ઇચ્છા પ્રભાવના હેતુમાં છે તે હેતુને ઢીલમાં નાખવાનું થાય છે, અને તેને અવરોધક એવાં કારણોને ક્ષીણ થવા દેવામાં કંઈ પણ આત્મવીર્ય પરિણામ પામી સ્થિતિમાં વર્તે છે. તમારી ઇચ્છા પ્રમાણે હાલ જે પ્રવર્તાતું નથી તે વિષે જે બળવાન કારણો અવરોધક છે, તે તમને વિશેષપણે જણાવવાનું ચિત્ત થતું નથી, કેમકે હજુ તે વિશેષપણે જણાવવામાં અવકાશ જવા દેવા યોગ્ય છે. જે બળવાન કારણો પ્રભાવના હેતુને અવરોધક છે, તેમાં અમારો કંઈ પણ બુદ્ધિપૂર્વક પ્રમાદ હોય એમ કોઈ રીતે સંભવતું નથી. તેમ જ અવ્યક્તપણે એટલે નહીં જાણવામાં છતાં સહેજ જીવથી થયા કરતો હોય એવો પ્રમાદ હોય એમ પણ જણાતું નથી, તથાપિ કોઈ અંશે તે પ્રમાદ સંભવમાં લખતાં પણ તેથી અવરોધકપણું હોય એમ લાગી શકે એમ નથી, કારણ કે આત્માની નિશ્ચયવૃત્તિ તેથી અસન્મુખ છે.