________________ પડળ હોય તો તેને સમૂળગો પદાર્થ દેખાતો નથી; તેમ જેને ચક્ષુનું યથાવત્ સંપૂર્ણ તેજ છે તે, પદાર્થને પણ યથાયોગ્ય દેખે છે. તેમ જે જીવને વિષે ગાઢ વિપર્યાયબુદ્ધિ છે, તેને તો કોઈ રીતે સિદ્ધાંતબોધ વિચારમાં આવી શકે નહીં. જેની વિપર્યાયબુદ્ધિ મંદ થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંતનું અવગાહન થાય; અને જેણે તે વિપર્યાયબુદ્ધિ વિશેષપણે ક્ષીણ કરી છે એવા જીવને વિશેષપણે સિદ્ધાંતનું અવગાહન થાય. ગૃહકુટુંબ પરિગ્રહાદિ ભાવને વિષે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ ‘વિપર્યાયબુદ્ધિ છે; અને અહંતા મમતા તથા કષાય જ્યાં વૈરાગ્ય-ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે, અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે ‘વૈરાગ્ય’ છે, અને તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય-ક્લેશ તેનું મંદ થવું તે ‘ઉપશમ’ છે. એટલે તે બે ગુણ વિપર્યાયબુદ્ધિને પર્યાયાંતર કરી સદ્બુદ્ધિ કરે છે, અને તે સદબુદ્ધિ જીવાજીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે, કેમકે ચક્ષને પટળાદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત્ દેખાય છે, તેમ અહંતાદિ પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંતભાવ, આત્મભાવ, વિચારચક્ષુએ દેખાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્યઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, અથવા યથાવત્ વિવેક હોય નહીં. સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મોહિનીય કર્મના ક્ષયાંતર પ્રગટે છે. અને તે વાતથી ઉપર જણાવ્યો છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે. વળી જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ્ય-ઉપશમ પ્રતિબોધતી જોવામાં આવે છે. જિનના આગમ પર દ્રષ્ટિ મૂકવાથી એ વાત વિશેષ સ્પષ્ટ જણાઈ શકશે. ‘સિદ્ધાંતબોધ' એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં જેટલું કર્યું છે, તે કરતાં વિશેષપણે, વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમને કથન કર્યા છે, કેમકે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે, અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમ અંગીકાર કરી શકે છે, એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે; અને તેમજ થતું હોવાથી ઠામ ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. જો જીવને આરંભ-પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે, કેમકે આરંભ-પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમનાં મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. શ્રી ઠાણાંગસૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવર્તવું યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે દ્વિસંગી કહી છે. 1. જીવને મતિજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. 2. જીવને શ્રુતજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. 3. જીવને અવધિજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. 4. જીવને મન:પર્યવજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી.