________________ સમજાવવાથી પણ અનુક્રમે વગર કારણે પત્રસમાચારાદિ ચાલુ થાય કે જેથી વગર કારણે સાધારણ દ્રવ્યત્યાગ પણ હણાય. એવું જાણી એ વ્યવહાર ઘણું કરી અંબાલાલ આદિથી પણ કરવો નહીં, કારણ કે તેમ કરવાથી પણ વ્યવસાય વધવા સંભવ છે. તમને સર્વ પચખાણ હોય તો પછી પત્ર ન લખવાનાં જે પચખાણ સાધુએ આપ્યાં છે તે અપાય નહીં. તથાપિ આપ્યાં તોપણ એમાં હરકત ગણવી નહીં; તે પચખાણ પણ જ્ઞાનીપુરુષની વાણીથી રૂપાંતર થયાં હોત તો હરકત નહોતી, પણ સાધારણપણે રૂપાંતર થયાં છે, તે ઘટારત નથી થયું. મૂળ સ્વાભાવિક પચખાણનો અત્રે વ્યાખ્યાઅવસર નથી; લોક પચખાણની વાતનો અવસર છે; તથાપિ તે પણ સાધારણપણે પોતાની ઇચ્છાએ તોડવાં ઘટે નહીં, એવો હમણાં તો દ્રઢ વિચાર જ રાખવો. ગુણ પ્રગટવાના સાધનમાં જ્યારે રોધ થતો હોય, ત્યારે તે પચખાણ જ્ઞાનીપુરુષની વાણીથી કે મુમુક્ષુ જીવના પ્રસંગથી સહેજ આકારફેર થવા દઈ રસ્તા પર લાવવાં, કારણ કે વગર કારણે લોકોમાં અંદેશો થવા દેવાની વાર્તા યોગ્ય નથી. બીજા પામર જીવને વગર કારણે તે જીવ અનહિતકારી થાય છે. એ વગેરે ઘણા હેતુ ધારી બનતાં સુધી પત્રાદિ વ્યવહાર ઓછો કરવો એ જ યોગ્ય છે. અમ પ્રત્યે ક્યારેક તેવો વ્યવહાર તમને હિતકારીરૂપ છે, માટે કરવો યોગ્ય લાગતો હોય તો તે પત્ર શ્રી દેવકરણજી જેવા કોઈ સત્સંગીને વંચાવીને મોકલવો, કે જેથી જ્ઞાનચર્ચા સિવાય એમાં કાંઈ બીજી વાર્તા નથી એવું તેમનું સાક્ષીપણું તે તમારા આત્માને બીજા પ્રકારનો પત્રવ્યવહાર કરતાં અટકાવવાને સંભવિત થાય. મારા વિચાર પ્રમાણે એવા પ્રકારમાં શ્રી દેવકરણજી વિરોધ નહીં સમજે; કદાપિ તેમને તેમ લાગતું હોય તો કોઈ પ્રસંગમાં તેમનો તે અંદેશો અમે નિવૃત્ત કરીશું, તથાપિ તમારે ઘણું કરી વિશેષ પત્રવ્યવહાર કરવો યોગ્ય નહીં, તે લક્ષ ચૂકશો નહીં. “ઘણું કરી’ શબ્દનો અર્થ માત્ર હિતકારી પ્રસંગે પત્રનું કારણ કહ્યું છે, તેને બાધ ન થાય તે છે. વિશેષ પત્રવ્યવહાર કરવાથી તે જ્ઞાનચર્ચારૂપ હશે તોપણ લોકવ્યવહારમાં ઘણા અંદેશાનો હેતુ થશે. માટે જે પ્રમાણે પ્રસંગે પ્રસંગે આત્મહિતાર્થ હોય તે વિચારવું અને વિમાસવું યોગ્ય છે. અમ પ્રત્યે કોઈ જ્ઞાનપ્રશ્નાર્થે પત્ર લખવાની તમારી ઇચ્છા હોય તો તે શ્રી દેવકરણજીને પૂછીને લખવો કે જેથી તમને ગુણ ઉત્પન્ન થવામાં બાધ ઓછો થાય. તમે અંબાલાલને પત્ર લખ્યા વિષેમાં ચર્ચા થઈ તે જોકે ઘટારત થયું નથી, તમને કાંઈ પ્રાયશ્ચિત્ત આપે તો તે લેવું, પણ કોઈ જ્ઞાનવાર્તા લખવાને બદલે લખાવવામાં તમારે અડચણ કરવી ન જોઈએ, એમ સાથે યથાયોગ્ય નિર્મળ અંતઃકરણથી જણાવવું યોગ્ય છે, કે જે વાત માત્ર જીવના હિતને અર્થે કરવા માટે છે. પર્યુષણાદિમાં પત્રવ્યવહાર સાધુઓ લખાવીને કરે છે, જેમાં આત્મહિત જેવું થોડું જ હોય છે, તથાપિ તે રૂઢિ થઈ હોવાથી તેનો લોક નિષેધ કરતા નથી, તેમ તે રૂઢિને અનુસરી વર્તવાનું રાખશો, તોપણ હરકત નથી; એટલે તમને પત્ર લખાવવામાં અડચણ નહીં પહોંચે અને લોકોને અંદેશો નહીં થાય. ઉપમા આદિ લખવામાં લોકોનું વિપર્યયપણું રહેતું હોય તો અમને એક સાધારણ ઉપમા લખશો, નહીં ઉપમા લખો તોપણ અડચણ નથી. માત્ર ચિત્તસમાધિ અર્થે તમને લખવાનો પ્રતિબંધ કર્યો નથી. અમને ઉપમાનું કંઈ સફળપણું નથી.