________________ પુસ્તકનો સંબંધ જોવામાં આવે છે, તે અંગીકાર કરવામાં આવે છે. તે પરિગ્રહની સર્વથા નિવૃત્તિના કારણને કોઈ પ્રકારે રક્ષણરૂપ હોવાથી કહ્યાં છે, અને તેથી પરિણામે અપરિગ્રહરૂપ હોય છે. મૂછ રહિતપણે નિત્ય આત્મદશા વધવાને માટે પુસ્તકનો અંગીકાર કહ્યો છે. શરીરસંઘયણનું આ કાળનું હીનપણું દેખી, ચિત્તસ્થિતિ પ્રથમ સમાધાન રહેવા અર્થે વસ્ત્રપાત્રાદિનું ગ્રહણ કહ્યું છે, અર્થાત્ આત્મહિત દીઠું તો પરિગ્રહ રાખવાનું કહ્યું છે. પ્રાણાતિપાત ક્રિયા પ્રવર્તન કહ્યું છે, પણ ભાવનો આકાર ફેર છે. પરિગ્રહબુદ્ધિથી કે પ્રાણાતિપાતબુદ્ધિથી એમાંનું કંઈ પણ કરવાનું ક્યારે પણ ભગવાને કહ્યું નથી. પાંચ મહાવ્રત, સર્વથા નિવૃત્તિરૂપ, ભગવાને જ્યાં બોધ્યાં ત્યાં પણ બીજા જીવના હિતાર્થે કહ્યાં છે, અને તેમાં તેના ત્યાગ જેવો દેખાવ દેનાર એવો અપવાદ પણ આત્મહિતાર્થે કહ્યો છે, અર્થાત એક પરિણામ હોવાથી ત્યાગ કરેલી ક્રિયા ગ્રહણ કરાવી છે. મૈથુનત્યાગ'માં જે અપવાદ નથી તેનો હેતુ એવો છે કે રાગદ્વેષ વિના તેનો ભંગ થઈ શકે નહીં, અને રાગદ્વેષ છે તે આત્માને અહિતકારી છે; જેથી તેમાં કોઈ અપવાદ ભગવાને કહ્યો નથી. નદીનું ઊતરવું રાગદ્વેષ વિના પણ થઈ શકે; પુસ્તકાદિનું ગ્રહણ પણ તેમ થઈ શકે; પણ મૈથુનસેવન તેમ ન થઈ શકે; માટે ભગવાને અનપવાદ એ વ્રત કહ્યું છે, અને બીજામાં અપવાદ આત્મહિતાર્થે કહ્યા છે; આમ હોવાથી જિનાગમ જેમ જીવનું, સંયમનું રક્ષણ થાય તેમ કહેવાને અર્થે છે. પત્ર લખવાનું કે સમાચારાદિ કહેવાનું જે નિષિદ્ધ કર્યું છે, તે પણ એ જ હેતુએ છે. લોકસમાગમ વધે, પ્રીતિઅપ્રીતિનાં કારણો વધે, સ્ત્રીઆદિના પરિચયમાં આવવાનો હેતુ થાય, સંયમ ઢીલો થાય, તે તે પ્રકારનો પરિગ્રહ વિના કારણે અંગીકૃત થાય, એવાં સાન્નિપાતિક અનંત કારણો દેખી પત્રાદિનો નિષેધ કર્યો છે, તથાપિ તે પણ અપવાદરહિત છે. અનાર્યભૂમિમાં વિચરવાની ‘બૃહત્કલ્પ’માં ના કહી છે અને ત્યાં ક્ષેત્રમર્યાદા કરી છે; પણ જ્ઞાન, દર્શન, સંયમના હેતુએ ત્યાં વિચરવાની પણ હા કહી છે, તે જ અર્થ ઉપરથી એમ જણાય છે કે, કોઈ જ્ઞાની પુરુષનું દૂર રહેવું થતું હોય, તેમનો સમાગમ થવો મુશ્કેલ હોય, અને પત્રસમાચાર સિવાય બીજો કોઈ ઉપાય ન હોય, તો પછી આત્મહિત સિવાય બીજા સર્વ પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરી, તેવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ કે કોઈ મુમુક્ષ સત્સંગીની સામાન્ય આજ્ઞાએ તેમ કરવાનો જિનાગમથી નિષેધ થતો નથી, એમ જણાય છે. કારણ કે પત્રસમાચાર લખવાથી આત્મહિત નાશ પામતું હતું, ત્યાં જ તે ના સમજાવી છે. જ્યાં આત્મહિત પત્રસમાચાર નહીં હોવાથી નાશ પામતું હોય, ત્યાં પત્રસમાચારનો નિષેધ હોય એમ જિનાગમથી બને કે કેમ ? તે હવે વિચારવા યોગ્ય છે. એ પ્રકારે વિચારવાથી જિનાગમમાં જ્ઞાન, દર્શન, સંયમના સંરક્ષણાર્થે પત્રસમાચારાદિ વ્યવહાર પણ સ્વીકારવાનો સમાવેશ થાય છે, તથાપિ તે કોઈક કાળ અર્થે, કોઈક મોટા પ્રયોજન, મહાત્મા પુરુષોની આજ્ઞાથી કે કેવળ જીવના કલ્યાણના જ કારણમાં તેનો ઉપયોગ કોઈક પાત્રને અર્થે છે, એમ સમજવા યોગ્ય છે. નિત્યપ્રતિ અને સાધારણ પ્રસંગમાં પત્રસમાચારાદિ વ્યવહાર ઘટે નહીં; જ્ઞાની પુરુષ પ્રત્યે તેની આજ્ઞાએ નિત્યપ્રતિ પત્રાદિ વ્યવહાર ઘટે છે, તથાપિ બીજા લૌકિક જીવના કારણમાં તો સાવ નિષેધ સમજાય છે. વળી કાળ એવો આવ્યો છે કે, જેમાં આમ કહેવાથી પણ વિષમ પરિણામ આવે. લોકમાર્ગમાં વર્તતા એવા સાધુ આદિના મનમાં આ વ્યવહારમાર્ગનો નાશ કરનાર ભાસ્યમાન થાય, તે સંભવિત છે; તેમ આ માર્ગ