________________ 398 જેમાં પ્રેમભક્તિ પ્રધાન નિષ્કામપણે રહી છે મુંબઈ, શ્રાવણ વદ 14, રવિ, 1948 સ્વસ્તિ શ્રી સાયલા ગ્રામ શુભસ્થાને સ્થિત, પરમાર્થના અખંડ નિશ્ચયી, નિષ્કામ સ્વરૂપ (...) - ના વારંવાર સ્મરણરૂપ, મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય, પરમ સરળ અને શાંતમૂર્તિ એવા શ્રી ‘સુભાગ્ય’, તેમના પ્રત્યે. શ્રી “મોહમયી’ સ્થાનેથી નિષ્કામ સ્વરૂપ છે જેનું એવા સ્મરણરૂપ સપુરુષના વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. જેમાં પ્રેમભક્તિ પ્રધાન નિષ્કામપણે રહી છે, એવાં તમ લિખિત ઘણાં પત્રો અનુક્રમે પ્રાપ્ત થયાં છે. આત્માકાર સ્થિતિ અને ઉપાધિજોગરૂપ કારણને લીધે માત્ર તે પત્રોની પહોંચ લખવા જેટલું બન્યું છે. અત્ર ભાઈ રેવાશંકરની શારીરિક સ્થિતિ યથાયોગ્યપણે રહેતી નહીં હોવાથી, અને વ્યવહાર સંબંધીનું કામકાજ વધ્યું હોવાથી ઉપાધિજોગ પણ વિશેષ રહ્યો છે, અને રહે છે, જેથી આ ચોમાસામાં બહાર નીકળવાનું અશક્ય થયું છે, અને તેને લીધે તમ સંબંધી નિષ્કામ સમાગમ તે પ્રાપ્ત થઈ શક્યો નથી. વળી દિવાળી પહેલાં તેવો જોગ પ્રાપ્ત થવો સંભવતો નથી. તમ લિખિત કેટલાંક પત્રોને વિષે જીવાશિ સ્વભાવ અને પરભાવનાં કેટલાંક પ્રશ્નો આવતાં હતાં, તેના પ્રત્યુત્તર તે કારણથી લખી શકાયા નથી. બીજા પણ જિજ્ઞાસુઓનાં પત્રો આ વખતમાં ઘણાં મળ્યાં છે. તેને માટે પણ ઘણું કરીને તેમ જ થયું છે. હાલ જો ઉપાધિજોગ પ્રાપ્તપણે વર્તે છે, તે જોગનો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તેમ થઈ શકે એમ છે. તથાપિ તે ઉપાધિજોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે, તે તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઇચ્છા વર્તતી નથી, એટલે તે જ જોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે, એમ જાણીએ છીએ. અને તેમ સ્થિતિ છે. શાસ્ત્રોને વિષે આ કાળને અનુક્રમે ક્ષીણપણા યોગ્ય કહ્યો છે, અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષમ કહેવા યોગ્ય છે; જોકે સર્વ કાળને વિષે પરમાર્થપ્રાપ્તિ જેનાથી થાય છે, એવા પુરુષોનો જોગ દુર્લભ જ છે, તથાપિ આવા કાળને વિષે તો અત્યંત દુર્લભ હોય છે. જીવોની પરમાર્થવૃત્તિ ક્ષીણપરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાની પુરુષોના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે, એટલે પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળ આવે છે.