________________ આ કાળને વિષે અને તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે, અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાનંદસ્વામીના વખત સુધી મનુષ્યોમાં જે સરળવૃત્તિ હતી, તે અને આજની સરળવૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે. ત્યાં સુધી મનુષ્યોની વૃત્તિને વિષે કંઈ કંઈ આજ્ઞાંકિતપણું, પરમાર્થની ઇચ્છા, અને તે સંબંધી નિશ્ચયમાં દ્રઢતા એ જેવાં હતાં તેવાં આજે નથી, તેથી તો આજે ઘણું ક્ષીણપણું થયું છે, જોકે હજુ આ કાળમાં પરમાર્થવૃત્તિ કેવળ વ્યવચ્છેદપ્રાપ્ત થઈ નથી, તેમ સપુરુષરહિત ભૂમિ થઈ નથી, તોપણ કાળ તે કરતાં વધારે વિષમ છે, બહુ વિષમ છે, એમ જાણીએ છીએ. આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિષે અખંડપણે વર્તે છે. જીવોને વિષે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય, તો જ તેને સત્પરુષનું ઓળખાણ થાય છે, નહીં તો થતું નથી. તે વૃત્તિ સજીવન થાય અને કોઈ પણ જીવોને - ઘણા જીવોને - પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે; તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ. અને તેનાં કારણો પણ ઉપર જણાવ્યાં છે. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિષે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે, તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. તેમાં પણ જે ગૃહવાસાદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, તે જોઈ જીવને પ્રતીતિ આવવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, અને કદાપિ પ્રતીતિ આવી તો તેમનો જે પ્રારબ્ધપ્રકાર હાલ વર્તે છે, તે જોઈ નિશ્ચય રહેવો દુર્લભ છે, અને કદાપિ નિશ્ચય થાય તોપણ તેનો સત્સંગ રહેવો દુર્લભ છે, અને જે પરમાર્થનું મુખ્ય કારણ તે તો તે છે. તે આવી સ્થિતિમાં જોઈ ઉપર જણાવ્યા છે જે કારણે તેને વધારે બળવાનપણે દેખીએ છીએ, અને એ વાત જોઈ ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે. ‘ઈશ્વરેચ્છાથી’ જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ. તથાપિ જેવી અમારી અનુકંપા સંયુક્ત ઇચ્છા છે, તેવી પરમાર્થ વિચારણા અને પરમાર્થપ્રાપ્તિ જીવોને થાય તેવો કોઈ પ્રકારે ઓછો જોગ થયો છે, એમ અત્રે માનીએ છીએ. ગંગાયમુનાદિના પ્રદેશને વિષે અથવા ગુજરાત દેશને વિષે જો આ દેહ ઉત્પન્ન થયો હોત; ત્યાં વર્ધમાનપણું પામ્યો હોત તો તે એક બળવાન કારણ હતું એમ જાણીએ છીએ; બીજું પ્રારબ્ધમાં ગૃહવાસ બાકી ન હોત અને બ્રહ્મચર્ય, વનવાસ હોત તો તે બળવાન કારણ હતું, એમ જાણીએ છીએ. કદાપિ ગૃહવાસ બાકી છે તેમ હોત અને ઉપાધિજોગરૂપ પ્રારબ્ધ ન હોત તો તે ત્રીજું પરમાર્થને બળવાન કારણ હતું એમ જાણીએ છીએ. પ્રથમ કહ્યાં તેવાં બે કારણો તો થઈ ચૂક્યાં છે, એટલે હવે તેનું નિવારણ નથી. ત્રીજું ઉપાધિજોગરૂપ જે પ્રારબ્ધ તે શીધ્રપણે નિવૃત્ત થાય, વેદન થાય અને તે નિષ્કામ કરુણાના હેતુથી, તો તેમ થવું હજુ બાકી છે, તથાપિ તે પણ હજુ વિચારયોગ્ય સ્થિતિમાં છે. એટલે કે તે પ્રારબ્ધનો સહેજે પ્રતિકાર થઈ જાય એમ જ ઇચ્છાની સ્થિતિ છે, અથવા તો વિશેષ ઉદયમાં આવી જઈ થોડા કાળમાં તે પ્રકારનો ઉદય પરિસમાપ્ત થાય તો તેમ નિષ્કામ કરુણાની સ્થિતિ છે, અને એ બે પ્રકારમાં તો હાલ ઉદાસીનપણે એટલે સામાન્યપણે રહેવું છે, એમ આત્મસંભાવના છે; અને એ સંબંધીનો મોટો વિચાર વારંવાર રહ્યા કરે છે.