________________ તમારા પ્રત્યે દ્વેષબુદ્ધિ કરવાનું મને કહ્યું નથી. તેમ તમારા માટે વિસંવાદ ફેલાવવાની વાત પણ કોઈને મોઢે મેં કરી નથી. આવેશમાં કિંચિત વચન નીકળ્યું હોય તો તેમ પણ નથી. માત્ર દ્વેષવાન જીવોની આ બધી ખટપટ છે. તેમ છતાં જો તમે કંઈ આવેશ કરશો તો હું તો પામર છું એટલે શાંત રહ્યા સિવાય બીજો કોઈ મારો ઉપાય નથી, પણ આપને લોકોના પક્ષનું બળ છે, એમ ગણી જો આવેશ કરવા જશો તો થઈ શકશે. પણ તેથી આપને, અમને અને ઘણા જીવોને કર્મનો દીર્ઘબંધ થશે; સિવાય બીજું ફળ નહીં આવે. અને અન્ય લોકો રાજી થશે. માટે શાંત દ્રષ્ટિ રાખવી યોગ્ય છે.” આવું કોઈ પ્રસંગે કહેવું ઘટે તો કહેવું. પણ તે કંઈક પ્રસન્નતામાં દેખાય ત્યારે કહેવું. અને કહેતાં તેની પ્રસન્નતા વધતી જતી હોય, અથવા અપ્રસન્નતા થતી ન દેખાતી હોય ત્યાં સુધી કહેવું. બીજા ત્રીજા માણસો દ્વારા તે આડીઅવળી વાત ફેલાવે અથવા બીજા તેવી વાત લાવે તો કહેવું કે તમારો બધાનો કષાય કરવાનો હેતુ મારા સમજવામાં છે. કોઈ બાઈ, ભાઈ પર કલંકની વાત ચડાવતાં આટલો બધો રાજીપો રાખો છો તેમાં ક્યાંક માઠું થઈ જશે. મારી સાથે તમારે વધારે વાત ન કરવી. તમારે તમારું કરવું. એવી રીતે યોગ્ય ભાષામાં અવસર દેખાય ત્યારે કહેવું. બાકી શાંત રહેવું. મનમાં મુઝાવું નહીં. ઉપાશ્રયે જવું, ન જવું, સાણંદ જવું, ન જવું તે અવસરોચિત જેમ તમને લાગે તેમ કરશો. પણ મુખ્યપણે શાંત રહેશો અને સિદ્ધ કરી દેવા સંબંધી કાંઈ પણ ચોખવટ પર ધ્યાન આપશો નહીં. એવું શૈર્ય રાખી, આત્માર્થમાં નિર્ભય રહેજો. વાત લાવનારને કહેવું કે મનની કલ્પિત વાતો શા માટે ચલાવો છો ? કંઈક પરમેશ્વરી ડર રાખો તો સારું. એમ યોગ્ય શબ્દોમાં કહેવું, આત્માર્થમાં પ્રયત્ન કરવું.