________________ 242 સુદ્રઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું મુંબઈ, ચૈત્ર, 1947 તમારા કાગળ પ્રાપ્ત થયા છે. આ પત્ર આવવા વિષે સર્વથા ગંભીરતા રાખજો. તમે સૌ ધીરજ રાખજો અને નિર્ભય રહેજો. સુદ્રઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું. આત્મકલ્યાણ પ્રાપ્ત થવામાં ઘણું કરીને વારંવાર પ્રબળ પરિષહો આવવાનો સ્વભાવ છે, પણ જો તે પરિષહ શાંત ચિત્તથી વેચવામાં આવે છે, તો દીર્ઘ કાળે થઈ શકવા યોગ્ય એવું કલ્યાણ બહુ અલ્પ કાળમાં સાધ્ય થાય છે. તમે સૌ એવા શુદ્ધ આચરણથી વર્તજો કે વિષમ દ્રષ્ટિએ જોનાર માણસોમાંથી ઘણાને પોતાની તે દ્રષ્ટિનો કાળ જતાં પશ્ચાત્તાપ કરવાનો વખત આવે. નિરાશ ન થવું. ઉપાશ્રયે જવાથી શાંતિ પસરાતી હોય તો તેમ કરવું. સાણંદ જવાથી અશાંતિ ઓછી થતી હોય તો તેમ કરવું. વંદન, નમસ્કાર કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી. ઉપાશ્રયે જવાની વૃત્તિ થાય તો મનુષ્યનો બહુ સમુદાય હોય ત્યારે ન જવું, તેમ સર્વથા એકાંતમાં પણ ન જવું. માત્ર થોડાક યોગ્ય માણસો હોય ત્યારે જવું. અને જવું તો ક્રમે કરી જવાનું રાખવું, ક્વચિત ક્લેશ કરે તો સહન કરવો. જતાં જ પ્રથમથી બળવાન ક્લેશ કરવાની વૃત્તિ દેખાય તો કહેવું કે, “આવો ક્લેશ માત્ર વિષમ દ્રષ્ટિવાળા માણસો ઉત્પન્ન કરાવે છે. અને જો તમે ધીરજ રાખશો તો અનુક્રમે તે કારણે તમને જણાઈ રહેશે. વગર કારણે નાના પ્રકારની કલ્પના ફેલાવવાનો જેને ભય ન હોય તેને આવી પ્રવૃત્તિ યોગ્ય છે. તમારે ક્રોધાતુર થવું યોગ્ય નથી. તેમ થવાથી ઘણા જીવોને માત્ર રાજીપો થશે. સંઘાડાની, ગચ્છની અને માર્ગની વગર કારણે અપકીર્તિ થવા પ્રત્યે તમારે ન જવું જોઈએ. અને જો શાંત રહેશો તો અનુક્રમે આ ફ્લેશ સર્વથા શમી જશે. લોકો તે જ વાત કરતાં હોય તો તે તમારે નિવારવી યોગ્ય છે, ત્યાં તેને ઉત્પન્ન કરવા જેવું અથવા વધારવા જેવું ન થવું જોઈએ. પછી જેમ આપની ઇચ્છા.” મુનિ લલ્લુજી પ્રત્યે તમે મારે માટે કહેલું છે તે વાત સિદ્ધ કરવા હું માનું છું એમ જણાવે તો જણાવવું કે “તે મહાત્મા પુરુષ અને તમે ફરી મળો ત્યારે તે વાતનો યથાર્થ ખુલાસો મેળવી મારા પ્રત્યે ક્રોધાતુર થવું યોગ્ય લાગે તો તેમ કરશો. હાલ તમે તે વિષે યથાર્થ ખલાસેથી શ્રવણ નહીં કર્યું હોય એમ જણાય છે.