________________ માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવાં શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ ભાગવતમાં, ભગવદગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યો છે; અધિક શું કહેવું ? જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં “નમો અરિહંતાણં” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે, એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. બીજું એક પ્રશ્ન (એકથી અધિક વાર) આપે એમ લખ્યું હતું કે વ્યવહારમાં વેપારાદિ વિષે આ વર્ષ જેવું જોઈએ તેવું લાભરૂપ લાગતું નથી; અને કઠણાઈ રહ્યા કરે છે. પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. અથવા તો ચાહીને પરમાત્માની ઇચ્છારૂપ માયાએ તેવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. જનક વિદેહી અને મહાત્મા કૃષ્ણ વિષે માયાનું વિસ્મરણ થયું લાગે છે, તથાપિ તેમ નથી. જનક વિદેહીની કઠણાઈ વિષે કંઈ અત્ર કહેવું જોગ નથી, કારણ કે તે અપ્રગટ કઠણાઈ છે, અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કઠણાઈ પ્રગટ જ છે, તેમ અષ્ટમહાસિદ્ધિ અને નવનિધિ પણ પ્રસિદ્ધ જ છે; તથાપિ કઠણાઈ તો ઘટારત જ હતી, અને હોવી જોઈએ. એ કઠણાઈ માયાની છે; અને પરમાત્માના લક્ષની તો એ સરળાઈ છે, અને એમ જ હો. xxx રાજાએ વિકટ તપ કરી પરમાત્માનું આરાધન કર્યું, અને દેહધારીરૂપે પરમાત્માએ તેને દર્શન આપ્યું અને વર માગવા કહ્યું ત્યારે xxx રાજાએ માગ્યું કે હે ભગવાન ! આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી, તારો પરમ અનુગ્રહ મારા ઉપર હોય તો પંચવિષયના સાધનરૂપ એ રાજ્યલક્ષ્મીનું ફરીથી મને સ્વપ્ન પણ ન હો, એ વર આપ. પરમાત્મા દિંગ થઈ જઈ ‘તથાસ્તુ' કહી સ્વધામ ગત થયા. કહેવાનો આશય એવો છે કે એમ જ યોગ્ય છે. કઠણાઈ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવદ્ભક્તને સરખાં જ છે, અને વળી કઠણાઈ અને અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી. આપને તો એ વાર્તા જાણવામાં છે; તથાપિ કુટુંબાદિકને વિષે કઠણાઈ હોવી ઘટારત નથી એમ ઊગતું હોય તો તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે, કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હો, અને તેના પ્રત્યે સમભાવી થઈ પ્રતિબંધ રહિત થાઓ; તે તમારું છે એમ ન માનો, અને પ્રારબ્ધયોગને લીધે એમ મનાય છે, તે ટાળવા આ કઠણાઈ મેં મોકલી છે. અધિક શું કહેવું ? એ એમ જ છે.