________________ “ગમે તેમ હો, ગમે તેટલાં દુઃખ વેઠો, ગમે તેટલા પરિષહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો, અને દુનિમિત્ત હો, પણ એમ કરવું જ. ત્યાં સુધી હે જીવ! છૂટકો નથી.” આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે, અને તે યથાયોગ્ય લાગે છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો આર્યાચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તો પછી માગવાની ઇચ્છા પણ નથી. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકાગે જવાતું નથી. લોકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. “એ કંઈ ખોટું છે ?" શું ? પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો ? લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે. અત્યારે એ જ. ફરી યોગવાઈએ મલીશું. એ જ વિજ્ઞાપન. વિ. રાયચંદના યથાયોગ્ય