________________ 128 પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો? વવાણિયા, પ્રથમ ભાદ્ર. સુદ 6, 1946 ધર્મેચ્છક ભાઈઓ, પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, આશાતના, અસમાધિ મારા મન, વચન, કાયાના કોઈ પણ યોગાધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું. અંતર્તાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે ‘સમાધિ’ ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છેદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી ? બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું ? અર્થાત એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંત વાર છોડતાં, તેનો વિયોગ થયાં અનંત કાળ પણ થઈ ગયો; તથાપિ તેના વિના જિવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો ? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉં; જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું; તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો ? અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું ! અને તેમ કરવાની તો ઇચ્છા નહોતી ! કહો એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત આવે છે. વધારે શું કહેવું ? જે જે પૂર્વનાં ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું, તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ કેટલીક નિરુપાયતા છે ત્યાં કેમ કરવું ? જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી; જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે, પણ જે કંઈ આડું આવે છે, તે કોરે કરવું પડે છે, અર્થાત ખસેડવું પડે છે, અને તેમાં કાળ જાય છે. જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવું, જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી, એમ દ્રઢતા છે તેનું કેમ કરવું ? કદાપિ કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેનું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ ? અર્થાત તેવા સંતો ક્યાં છે, કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ ? ત્યારે હવે કેમ કરવું ?