________________ Errorl Reference source not found. Error! Reference source not found. દર્શનની દશા જોઈ કરુણા ઊપજે તેવું છે; સ્થિર ચિત્તથી વિચાર કરી જોશો તો આ મારું કહેવું તમને સપ્રમાણ લાગશે. એ સઘળા મતોમાં કેટલાકને તો સહજ સહજ વિવાદ છે. મુખ્ય વિવાદઃ- એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે. બીજા તેને કેવળ ઉથાપે છે (એ મુખ્ય વિવાદ છે). બીજા ભાગમાં પ્રથમ હું પણ ગણાયો હતો. મારી જિજ્ઞાસા વીતરાગ દેવની આજ્ઞાના આરાધન ભણી છે. એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે જિન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણોક્ત, અનુભવોક્ત અને અનુભવમાં લેવા યોગ્ય છે. મને તે પદાર્થોનો જે રૂપે બોધ થયો અથવા તે વિષય સંબંધી મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈ, તે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન થવાથી કોઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે, અને તે વસ્તુની સિદ્ધિ જણાય તો તે સંબંધી મતભેદ તેને ટળી જાય; તે સુલભબોધિપણાનું કાર્ય થાય એમ ગણી, ટૂંકામાં કેટલાક વિચારો પ્રતિમાસિદ્ધિ માટે દર્શાવું છું. મારી પ્રતિમામાં શ્રદ્ધા છે, માટે તમે સઘળા કરો એ માટે મારું કહેવું નથી, પણ વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય તો તેમ કરવું. પણ આટલું સ્મૃતિમાં રાખવાનું છે કેઃ કેટલાંક પ્રમાણો આગમના સિદ્ધ થવા માટે પરંપરા, અનુભવ ઇત્યાદિકની અવશય છે. કુતર્કથી, જો તમે કહેતા હો તો આખા જૈન દર્શનનું પણ ખંડન કરી દર્શાવું, પણ તેમાં કલ્યાણ નથી. સત્ય વસ્તુ જ્યાં પ્રમાણથી, અનુભવથી સિદ્ધ થઈ ત્યાં જિજ્ઞાસુ પુરુષો પોતાની ગમે તેવી હઠ પણ મૂકી દે છે. આ મોટા વિવાદ આ કાળમાં જો પડ્યા ન હોત તો ધર્મ પામવાનું લોકોને બહુ સુલભ થાત. ટૂંકામાં પાંચ પ્રકારનાં પ્રમાણથી તે વાત હું સિદ્ધ કરું છું. 1. આગમપ્રમાણ. 2. ઇતિહાસપ્રમાણ. 3. પરંપરાપ્રમાણ. 4. અનુભવપ્રમાણ. 5. પ્રમાણપ્રમાણ. 1. આગમપ્રમાણ આગમ કોને કહેવાય એ પ્રથમ વ્યાખ્યા થવાની જરૂર છે. જેનો પ્રતિપાદક મૂળ પુરુષ આપ્ત હોય તે વચનો જેમાં રહ્યાં છે તે આગમ છે. વીતરાગ દેવના બોધેલા અર્થની યોજના ગણધરોએ કરી ટૂંકામાં મુખ્ય વચનોને લીધાં, તે આગમ, સૂત્ર એ નામથી ઓળખાય છે. સિદ્ધાંત, શાસ્ત્ર એ બીજાં તેનાં નામ છે. તીર્થકર દેવે બોધેલાં પુસ્તકોની યોજના દ્વાદશાંગીરૂપે ગણધરદેવે કરી, તે બાર અંગનાં નામ કહી જઉં છું. આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથાગ, ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરૌપપાતિક, પ્રશ્નવ્યાકરણ, વિપાક, અને દ્રષ્ટિવાદ.