________________ જે વ્યક્તિ પોતાની ફરજ અદા કરે છે તેના પ્રત્યે અન્ય સર્વે પણ પોત-પોતાની ફરજ અદા કરતા જ હોય છે. કુદરતનો નિયમ છે કે જેવું કરે તેને તેવું જ પ્રાપ્ત થાય છે. આ નિયમમાં ક્યારેય કોઈ અપવાદ વિકલ્પ કે પરિવર્તન-ફેરફાર થવાનો સંભવ નથી. તાત્વિક દ્રષ્ટિએ સાચો ધર્મ એ છે કે જે આપણા આત્માને તેના પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે. જે વ્યક્તિ પોતાના જેવા જ અન્ય સર્વ જીવોને જાણે અને સમજે તે તેમના પ્રત્યે પોતાના સમાન ભાવ રાખે અને તેના પ્રત્યે પૂજ્યભાવ કે અહોભાવ સાથે વર્તે તે વ્યક્તિ રાગ-દ્વેષથી જલ્દીથી મુક્ત થઈ પોતાના સ્વભાવમાં અર્થાત્ આત્મભાવમાં સ્થિર થાય છે. આ પ્રકારનો ધર્મ ઉત્કૃષ્ટ ધર્મ કહેવાય છે અને જેને તેની પ્રાપ્તિ થાય છે તેને પછી બીજા કોઈપણ પ્રકારના ધર્મની પ્રાપ્તિ કરવાની આવશ્યકતા રહેતી નથી. અને તે વ્યક્તિ સર્વમાન્ય અને સર્વસન્માનીય બને છે.