________________
ધર્મ : એક અનુપ્રેક્ષા
" પ. પૂ. આચાર્યશ્રીવિજયનદિોષસૂરિજીમહારાજ
ધર્મ શબ્દ ભારતીય સંસ્કૃતિનો એક મહત્ત્વપૂર્ણ શબ્દ છે. ધર્મ શબ્દ સામાન્ય રીતે કોઈક એક આધ્યાત્મિક સંપ્રદાય અર્થમાં પ્રયોજવામાં આવે છે પરંતુ ધર્મ શબ્દની વિભાવના બહુ જ વ્યાપક છે. તેનો અર્થ અથવા ભાવાર્થ-તાત્પર્ય આપણી કલ્પના કરતાં કંઈક ઘણો વિશાળ છે. ભારતીય પરંપરામાં ધર્મ શબ્દ આધ્યાત્મિક દર્શન અર્થમાં રૂઢ થયેલ છે. ભારતીય સંસ્કૃતિમાં જે વિભાવના ધર્મ શબ્દની છે તેવી જ વિભાવાનાવાળો શબ્દ પશ્ચિમી ભાષામાં મળવો શક્ય નથી. જો કે ધર્મ શબ્દના પર્યાયવાચી શબ્દ તરીકે અંગ્રેજીમાં રિલીજીયન શબ્દ પ્રયોજાય છે પરંતુ તે યોગ્ય નથી. ધર્મ શબ્દના વિભિન્ન અર્થ બતાવતાં શબ્દકોશમાં ધર્મ શબ્દનો એક અર્થ વસ્તુનો સ્વભાવ પણ કરવામાં આવેલ છે તો બીજા અર્થમાં પદાર્થના લક્ષણ અર્થમાં પણ ધર્મ શબ્દ વપરાય છે. તો ત્રીજા અર્થમાં તે ફરજ અર્થાત્ કર્તવ્ય અર્થમાં પણ છે.
જો કે ધર્મ શબ્દની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે જીવને દુર્ગતિમાં પડતા ધારી રાખે અર્થાત્ અટકાવે અથવા બચાવે તે ધર્મ છે. આ સંદર્ભમાં મનુષ્યને નીતિવાન બનાવે અને સત્કાર્યમાં પ્રવૃત્ત રાખે તે ધર્મ છે. આ પ્રકારના ધર્મને કોઈ સંપ્રદાય સાથે સંબંધ નથી. સામાન્ય રીતે કોઈ જીવની હિંસા ન કરવી, સત્ય બોલવું, કોઈની વસ્તુની ચોરી કરવી નહિ, સદાચારનું પાલન કરવું, બિનજરૂરી વસ્તુનો સંગ્રહ કરવો નહિં. દારૂ, માંસ, માખણ અને હિંસક મધ વગેરે ચારે પ્રકારના અખાદ્ય પદાર્થોનો ત્યાગ કરવો. સાતે પ્રકારના વ્યસનનો ત્યાગ કરવો, વગેરે સામાન્ય નિયમોનું પાલન કરવું તે પણ એક પ્રકારનો ધર્મ જ છે.સૌથી મહત્ત્વની વાત માનવતા એ ઉત્કૃષ્ટ ધર્મ છે. જ્યાં માનવતા હોય ત્યાં કોઈપણ સાંપ્રદાયિક ધર્મ હોય તે બિનસાંપ્રદાયિક બની જાય છે. મનુષ્ય માટેનો સહજ ધર્મ તે માનવતા કહેવાય છે. એટલા માટે જ આપણા સુપ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોષીએ કહ્યું હતું કે "હું માનવી માનવ થાઉં તો ઘણું”.
આ ધર્મમાં મૈત્રી, પ્રમોદ, કરૂણતા અને માધ્યસ્થ્યનો પણ સમાવેશ થાય છે. જેને કર્તવ્ય પણ કહેવાય છે. આ કર્તવ્યપાલન એટલે જ ફરજ, વ્યક્તિની વ્યક્તિ પ્રત્યેની ફરજ, માતાની પુત્ર-પુત્રી પ્રત્યેની ફરજ, પિતાની પુત્ર-પુત્રી પ્રત્યેની ફરજ, પુત્ર-પુત્રીની માતા-પિતા પ્રત્યેની ફરજ, વ્યક્તિની સમાજ પ્રત્યેની ફરજ, વ્યક્તિની પરમ પવિત્ર પરમાત્મા પ્રત્યેની ફરજ, વ્યક્તિની કુદરત પ્રત્યેની ફરજ, તે જ રીતે રાજાની પ્રજા પ્રત્યેની ફરજ તે રાજધર્મ. એ પ્રમાણે અસંખ્ય પ્રકારની ફરજો સ્વરૂપ અસંખ્ય પ્રકારના ધર્મ હોઈ શકે છે.