________________
આગમયુગના વ્યવહાર અને નિશ્ચયન
પં. શ્રી દલસુખભાઈ માલવણિયા
૧. અધિગમના વિવિધ ઉપાયો જૈન દર્શનમાં વસ્તુના નિરૂપણમાં સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદનો આશ્રય લેવામાં આવે છે, અને એ
સ્યાદ્વાદ કે અનેકાંતવાદનો આધાર વિભિન્ન નયો છે. ભગવાન મહાવીરે અનેક પ્રશ્નોના ઉત્તરો ભગવતીસૂત્રમાં આપ્યા છે. તેનું વિશેષ અધ્યયન કરીએ તો એ વાત સ્પષ્ટ થાય છે કે તેમના તે ઉત્તરો હઠાગ્રહીના નથી. તેમાં કદાગ્રહ દેખાતો નથી, પણ વસ્તુને વિવિધ રીતે તપાસવાનો પ્રયત્ન છે; અને વસ્તુને વિવિધ રીતે તપાસવી હોય તો તેમાં દૃષ્ટિકોણ બદલવાની જરૂર પડે છે. આ બદલાતા દૃષ્ટિકોણને શાસ્ત્રીય પરિભાષામાં નયો કહેવામાં આવે છે. જેના આગમોમાં વસ્તુને જોવાના જે વિવિધ ઉપાયો બતાવવામાં આવ્યા છે, તેમાં જુદી જુદી જાતનાં વર્ગીકરણ નજરે પડે છે. જેમ કે –
(૧) દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ વગેરે " તેમાંના એક વર્ગમાં એક પ્રકાર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવનો છે, આને જ બીજો પ્રકાર કલ્ય-ક્ષેત્રકાલ–ભાવ-ગુણનો છે, ત્રીજો પ્રકાર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભવ–ભાવનો છે અને ચોથો પ્રકાર દ્રવ્ય-ક્ષેત્ર-કાલભવ-ભાવ–સંસ્થાનનો છે. પ્રથમ પ્રકારના દ્રવ્યાદિ ચાર એ જ મુખ્ય છે અને એમાંના ભાવના જ વિશેષો ભવ, ગુણ કે સંસ્થાન છે કારણ કે ભાવ એ પર્યાય છે અને ભવ, ગુણ કે સંસ્થાન પણ પર્યાયવિશેષો જ છે. આથી આ વર્ગની પ્રતિષ્ઠા દ્રવ્યાદિ ચતુષ્ટયને નામે વિશેષરૂપે જૈન દર્શનના ગ્રંથોમાં જોવામાં આવે છે. (૨) દ્વવ્યાર્થિક, પર્યાયાર્થિક વગેરે
દષ્ટિઓના બીજા વર્ગીકરણમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક દષ્ટિ મુખ્ય છે; જ્યારે એને જ બીજી રીતે દ્રવ્યાર્થિક અને પ્રદેશાર્ષિકરૂપે અથવા આદેશ અને વિધાનઆદેશરૂપે પણ મૂકવામાં આવી છે.