________________
સંવત ૧૩૦૭માં પોશાળગચ્છના વીરપ્રભસૂરિના શિષ્ય અજિતપ્રભસૂરિએ શાંતિનાથ-ચરિત્ર રચ્યું. તેમણે ભાવનાસાર ગ્રંથ પણ રચેલો.
સંવત ૧૩૦૭માં જ ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિના શિષ્ય પૂર્ણકલશે પ્રાકૃત-દ્વયાશ્રય પર વૃત્તિ રચી. તેમના ગુરુભાઈ લક્ષ્મીતિલકે સંવત ૧૩૧૧માં ૧૭ સર્ગવાળું પ્રત્યેકબુદ્ધચરિત્રયુક્ત એવું ‘જિનલક્ષ્મી' મહાકાવ્ય રચ્યું.
તેમના વિદ્યાશિષ્ય અભયતિલકે સંસકૃત દ્વયાશ્રય પર વૃત્તિ રચી. તદુપરાંત તેણે પંચપ્રસ્થન્યાયતર્ક વ્યાખ્યા રચી.
સંવત ૧૩૧૨માં ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિના શિષ્ય ચંદ્રતિલકે ૯૦૩૬ શ્લોકપ્રમાણ અભય-કુમારચરિત રચ્યું. ૧૩૦૨માં દિક્ષિત થનાર વિદ્યાનંદસૂરિ કે જેમણે તપાગચ્છીય દેવેન્દ્રસૂરિ પાસે દીક્ષા લીધેલી તેમણે ‘વિદ્યાનંદ’ વ્યાકરણ રચ્યું.
સંવત ૧૩૧૩માં ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિએ સંસ્કૃતમાં શ્રાવકધર્મવિધિ રચેલ. તેના પર ૧૩૧૭માં વિદ્યાનંદે અને લક્ષ્મીતિલકસૂરિએ બૃહદવૃત્તિ રચેલી. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [61] મુનિ દીપરત્નસાગરજી