________________
જિનતત્ત્વ
(૧) જૈન ધર્મ માને છે કે સ્ત્રી, પુરુષ કે નપુંસક તરીકેના ભાવો તે તે કર્મને કારણે છે. નવ પ્રકારના નોકષાયમાં સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદનો સમાવેશ થાય છે. સાધક સ્ત્રી વ્યક્તિ હોય કે પુરુષ, અમુક પ્રકારનો કર્મક્ષય થતાં, નવમા ગુણસ્થાનકે પહોંચતાં સ્ત્રી-પુરુષના કોઈ ભેદ તેનામાં રહેતા નથી. પુરુષ હોય તો ‘હું પુરુષ છું' અથવા સ્ત્રી હોય તો ‘હું સ્ત્રી છું’ એવી કોઈ સભાનતા, લાગણી, વાસના, આવેગ ઇત્યાદિ કશું જ તેઓ અનુભવતાં નથી. બલકે સ્વાભાવિક રીતે જ તેઓ તેવા ભાવથી પર થઈ ગયાં હોય છે. તેમની સાધના એટલી ઉચ્ચ કોટિની હોય છે કે વિજાતીય વ્યક્તિ તરફ ન તેમને કોઈ આકર્ષણ, અહોભાવ, પક્ષપાત ઇત્યાદિ હોય છે કે ન તો અભાવ, અરુચિ, અનાદર ઇત્યાદિ હોય છે. સર્વ જીવો માટે તેમનામાં સમત્વભાવ હોય છે. સર્વ જીવો તેમને સરખા સિદ્ધસ્વરૂપી ભાસે છે. વળી તેમની પોતાની મુખમુદ્રા એવી પવિત્ર-તેજસ્વી હોય છે કે વિજાતીય વ્યક્તિને પણ તેમના પ્રત્યે જાતીય આકર્ષણ, આદર, પક્ષપાત કે અભાવ ઇત્યાદિ થતાં નથી. જો અનેક સાધકોની બાબતમાં આમ જોવા મળે છે, તો તીર્થંકરની બાબતમાં તે એથી વિશેષ કેમ ન હોય ?
૧૯૦
(૨) તીર્થંકરના જીવનમાં કેટલાક અતિશય હોય છે. ‘અતિશય’ શબ્દ પારિભાષિક છે. અતિશયનો સામાન્ય અર્થ કરવો હોય તો એમ કરાય કે સાધારણ લોકોમાં ન હોય એવી, ચમત્કૃતિ જેવી લાગે એવી સવિશેષ ઘટના. શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરા વચ્ચે અતિશયોની સંખ્યાની બાબતમાં મતભેદ છે, પરંતુ તીર્થંકરોને અતિશય હોવાની બાબતમાં મતભેદ નથી. તીર્થંકરોને ચાર અતિશય જન્મથી હોય છે. અગિયાર અતિશય કર્મક્ષયથી હોય છે અને ઓગણીસ અતિશય દેવોએ કરેલા હોય છે. એમ કુલ ચોત્રીસ અતિશયો હોય છે, જેમાં એમના શરીરના અતિશયો પણ આવી જાય છે.
તીર્થંકરનું શરીર અદ્ભુત રૂપવાળું, અદ્ભુત સુગંધવાળું, રોગરહિત, પ્રસ્વેદસંહિત, મલરહિત હોય છે. તેમની વાણી યોજનામિની અને સર્વ જીવોને પોતપોતાની ભાષાવાચા અનુસાર સમજાય એવી હોય છે. તેઓ જ્યાં વિચરતા હોય છે ત્યાં તેમની આસપાસના વિસ્તારમાં રોગ, વેરભાવ, અતિવૃષ્ટિ, દુકાળ, યુદ્ધ, આંતરવિગ્રહ ઇત્યાદિ કશું જ સંભવે નહિ અને હોય તો તે શાંત થઈ જાય. તીર્થંકરના નખ, વાળ, રોમરાજિ ઇત્યાદિ વૃદ્ધિ ન પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org