________________
પ્રથમ દષ્ટિએ ધર્મરક્ષક લાગતા આ ધાર્મિક સંગઠનના નેતાઓ વાસ્તવિક દૃષ્ટિએ સેતાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. તલવાર, લાઠી, ત્રિશૂલ, કરતાલ... ને પ્રતિક બનાવી પ્રજાને ઉશ્કેરતા નેતાઓ કોઈ સમાજ ઉપયોગી કાર્ય કરતા નથી, પરંતુ પ્રજા ઉપર પોતાની મજબૂત પકડ બનાવી રાજકારણના રોટલા શકે છે.
સંગઠનોની વિનાશકારી પ્રવૃત્તિમાં જોડાતાં પહેલાં યુવાનોએ સમજવું જોઈએ કે, આ નેતાઓ સંસારમાંથી સત્યની ઘોર ખોલી રહ્યા છે. અનેક નિર્દોષોનો ભોગ લેતા ધાર્મિક સંગઠનો નર્કના રસ્તાનું નિર્માણ કરી રહ્યા છે. સ્વામી આનંદનું એક દૃષ્ટાંત જોઈએ.
પ્રભુના રાજમાં પેઠેલા ભકતો પ્રભુને પહોંચવાનો સરળ માર્ગ દુનિયા આખીને ઝટ દેખાડી દઈને પ્રભુરાજ્યની વસ્તી વધારવાનું વિચારવા લાગ્યા, ત્યારે શેતાન ફિકરમાં પડી ગયો. એક ભોળો શંભુ એને રસ્તે મળ્યો. તેને જોઈએ શેતાનને યુકિત સૂઝી. ભગતને કહે :
“ભકતરાજ ! તમારા લોકનાં ભજનભકિત જોઈને હું તો મુગ્ધ થઈ ગયો છું. મને એની લગની લાગી છે. હવે તો મારા જેવી લગની બધી દુનિયાને લગાડો, એટલે બેડો પાર. ભગવાનની ભકિત એ તો એટલું બધું સાદું સત્ય છે કે દુનિયાને ઝીલતાં વાર લાગવાની નથી.”
ભગત : “સત્ત વચન અને વાણી. દુનિયાનાં માણસમાત્ર સુધી એ સાદું સત્ય કેવી રીતે પહોંચાડી દેવું, એની જ ગોઠવણ આજકાલ અમે લોકો વિચારી રહ્યા છીએ. અમારા આવતા સમૈયામાં એ ચર્ચાશે.”
શેતાન : “એ તો સહેલું છે. આ વસમા કળિકાળમાં સંઘ, સંગઠન એ એક જ શકિત છે, એક જ રાજમાર્ગ છે. બસ, સત્યનું સંગઠન કરો!”
ભગત : “ભલું સૂચવ્યું. અમે તેમ જ કરીશું.”
શેતાન : “ધન્ય ભકતરાજ ! સ્વર્ગની એસેમ્બલીમાં આપના શુભ સંકલ્પનો જય થાઓ. પણ હવે ઝટ કરજો. મારા જેવા કેટલાય સંસારી જીવો આપ સૌના ભકિતરસમાં ભાગીદાર બની પ્રભુચરણે લીન થવા તલપાપડ છે. માટે સંસારભરમાં સંગઠનનું જાણું પાથરી દઈએ. ભકતોના સંઘો રચાય, પૂરી શિસ્ત જળવાય અને કરતાલ-એકતારા સાથે પ્રભુનામના જ્યઘોષ કરતી તેમની પલટનોની પલટનો સ્વર્ગરાજ્યમાં દાખલ થવા વૈકુંઠના ફાટક પર ખડી થાય, એવું કરો... એકલદોકલ કે રેઢું કોઈને રહેવા જ ન દો. પછી શેતાનની શી મગદૂર છે કે કોઈને ભમાવે ?”
ભગતનો ચહેરો ખીલી ઉઠ્યો.
અને તે દિવસથી સંસારમાં સત્યની ઘોર ખોદાઈ !
માનવસંહારના પાયામાં વિસ્ફોટ ભરવાનું કામ ધાર્મિક સંગઠનો કરી રહ્યા છે. જો ઈશ્વર મહાન હશે તો ધર્મને કોઈ રોકી શકવાનું નથી. સત્યને જીવંત રાખવા ધર્મને કુદરતી રીતે જીવવા દો.