________________ તો ધ્યાનશતક'નું મંગલાચરણ કરતા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે મહાવીરસ્વામીને ‘યોગશ્વર' તરીકે વંદના કરી છે. મધ્યકાલીન કાળમાં આચાર્ય હરિભદ્રસૂરિ, આચાર્ય શુભચંદ્ર, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, સાથોસાથ અર્વાચીન કાળમાં મહાયોગી આનંદધનજી, યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી, આચાર્ય મહાપ્રજ્ઞજી વગેરે અનેક આચાર્યોનું યોગસાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન છે. જ્યારે હિંદુ ધર્મમાં ભગવદ્ગીતામાં ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ અને પાતંજલ યોગસૂત્રમાં અષ્ટાંગયોગ વર્ણવ્યો છે. અર્વાચીન કાળમાં પણ ઘણા યોગીઓની અલગઅલગ સાધનાપદ્ધતિઓ મળે છે. બૌદ્ધ ધર્મમાં પણ નિર્વાણ સાધક યોગસાધના બતાવેલી છે. આ ‘યોગ’ વિશે જૈન ધર્મ અને અન્ય ભારતીય દર્શનોમાં, પરંપરાઓમાં જે વિવિધ યોગ પ્રણાલીઓ છે એને આલેખતું આ ગ્રંથપુષ્પ પ્રકાશિત થઈ રહ્યું છે. આ પુસ્તક “પ્રબુદ્ધ જીવન’નાં “જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ” આ વિશેષાંકના આધારે તૈયાર કરેલું છે. “પ્રબુદ્ધ જીવન’નાં તંત્રી ડૉ. સેજલબહેન શાહનાં સૂચન અને પ્રેરણાથી મેં એનું સંપાદન કર્યું હતું. આ વિશેષાંકને વાચકોનો ઘણો સારો પ્રતિસાદ મળ્યો એટલે પદ્મશ્રી ડૉ. કુમારપાળભાઈ દેસાઈની પ્રેરણાથી આ વિશેષાંકને પુસ્તકરૂપે પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. આ વિશેષાંકમાં જૈન ધર્મના યોગવિશેષક સાહિત્યના જે મહત્ત્વના ગ્રંથોનો સમાવેશ નહોતો થયો એના વિશે લેખ ઉમેર્યા તેમ જ હિંદુ ધર્મના અન્ય પરંપરાઓના અર્વાચીન અધ્યાત્મયોગીઓ વિશે લખ્યું અને આવી રીતે “યોગ” ઉપર એનાં સઘળાં પાસાંની આ પુસ્તકમાં છણાવટ કરી છે. આશા છે કે વાચકોને એ ગમશે. આ ગ્રંથપુષ્પના સંપાદનની યાત્રામાં ‘યોગ’ વિશે મને ઘણું જાણવા મળ્યું. મારો Ph.D.નો વિષય 'Yog: way to achieve Moksha' છે જે જૈન દર્શનના આધારિત છે, એટલે જૈન દર્શનમાં જે યોગનિરૂપણ કરેલું છે. જે યોગસાહિત્ય છે એનો મારો અભ્યાસ છે અને સાથે સાંખ્યદર્શનના અષ્ટાંગયોગનો, પણ આ પુસ્તક માટે અન્ય પરંપરાના જે અધ્યાત્મયોગીઓ થયા એમના વિશે લખતા એમની યોગપ્રણાલીઓનો અભ્યાસ કરવાની મને તક મળી અને મારો ‘યોગ’ વિશેનો અભ્યાસ પુષ્ટ થતો રહ્યો. વિદ્યાની સાધના સાથે અધ્યાત્મરસનો અનુભવ થતો રહ્યો. મારી આ સંપાદનયાત્રામાં જેમણે મને પ્રેરણા, માર્ગદર્શન અને સાથસહકાર આપ્યો તેમના પ્રત્યે હું કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરું છું. શ્રી મુંબઈ જેન યુવક સંઘના પદાધિકારીઓ તેમ જ તંત્રી ડૉ. સેજલબહેન શાહનો હું વિશેષ આભાર માનું છું, જેમણે મને વિશેષાંકના લેખો લેવાની અને પુસ્તકરૂપે પ્રસ્તુત કરવાની પરવાનગી આપી. ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈ હંમેશ મુજબ મારા માર્ગદર્શક રહ્યા છે. એમની પ્રેરણા અને માર્ગદર્શનથી વિજ્ઞાન વિદ્યાશાખાની હું વિદ્યાર્થિની, દાર્શનિક સાહિત્યમાં થોડું ઘણું લખું છું. એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. પૂ. આચાર્ય ભગવંત અને સાધુભગવંતો તેમ જ વિદ્વાન લેખકોની હું અત્યંત ઋણી છું, જેમના અભ્યાસપૂર્ણ લેખોથી આ પુસ્તક સમૃદ્ધ થયું છે તેમ જ સુંદર મુદ્રણ કરી આપનાર શ્રી નીતિનભાઈનો આભાર અંતે આ ગ્રંથપુષ્પની પ્રસ્તુતિમાં જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. આ ગ્રંથ આ વિષયના અભ્યાસીઓ, જિજ્ઞાસુઓ અને સાધકોને કંઈક અંશે ઉપયોગી બનશે તો મારો પ્રયત્ન સાર્થક થશે.