________________ 6-12-18 ફાઈનલ યોગ યોગ એટલે જ્ઞાન માટે, ભક્તિ માટે પ્રભુ સાથેનું જોડાણ, મનુષ્યની અંદર જે એક સર્વજ્ઞ અને સર્વશક્તિમાન તત્ત્વ છે તેની સાથે યોગી જોડાણ કરે છે, સાયુજ્ય સાધે છે. હું શરીર છું, અંતઃકરણ છું, મન છું એ વિચારોથી પર થાય છે અને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે. નિરાકાર, નિરંજન, નિર્વિકાર, નિર્વિકલ્પ, સત્ ચિત્ આનંદ સ્વરૂપ અજ-અમર સત્ એ જ હું, હું શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી, પણ એક અખંડ પૂર્ણ-બ્રહ્મ, શુદ્ધ, નિત્ય મુક્ત આત્મા છું એવો નિશ્ચય થાય છે અને એ જ પરમસિદ્ધિ છે. [ પ્રસ્તાવના ભારતીય સંસ્કૃતિમાં યોગ પૂર્વકાળથી જોડાયેલો છે. યોગવિદ્યા એ આધ્યાત્મિક ઉન્નતિની આધારશિલા છે. યોગ શારીરિક સ્વાથ્ય, ઊર્જા અને શાંતિ તો આપે જ છે પણ સૌથી મહત્ત્વનું એ આત્માનું ઊર્ધીકરણ કરે છે. આપણા જીવનમાં રહેલાં રાગ-દ્વેષ, આવેગ-આવેશ, અહંતામમતા, આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત થઈ પ્રસન્ન અને મંગળ, સફળ અને સાર્થક જીવન જીવવાનું માર્ગદર્શન યોગશાસ્ત્રોમાં આપેલું છે. યોગતંત્ર શાસ્ત્રોએ સિદ્ધાન્તોમાં જે વાત કહી છે તેનો વિનિયોગ જીવનમાં કેવી રીતે કરવો એ દર્શાવતું પ્રયોજ્ય વિજ્ઞાન છે અને આગળ વધીને પરમતત્ત્વ સાથેનું સાયુજ્ય સાધવા માટેનો માર્ગ છે. પતંજલિમુનિએ ઈ.સ. પૂર્વે ૨૦૦માં લખેલો ‘પાતંજલ યોગસૂત્ર’ યોગનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ મનાય છે. યોગનું મહાભ્ય દરેક દર્શનોએ કબૂલ્યું છે. દરેક દર્શનમાં યોગની પ્રક્રિયાઓ ભિન્નભિન્ન રૂપે પરિણમી છે, પણ તે યોગનો મુખ્ય ઉદ્દેશ આત્મશુદ્ધિનો અને પરમપદ પ્રાપ્ત કરવાનો છે, જેને આપણે મોક્ષ અથવા નિર્વાણ કહીએ છીએ. બધાં દર્શનોની પોતપોતાની સાધનાપદ્ધતિ છે. સાંખ્યદર્શનની સાધનાપદ્ધતિ છે “અષ્ટાંગ યોગ’, જે મહર્ષિ પતંજલિએ આલેખી છે, બૌદ્ધ દર્શનની સાધનાપદ્ધતિ છે વિશુદ્ધ માર્ગ, જ્યારે જૈન દર્શનની સાધનાપદ્ધતિનાં ત્રણ મુખ્ય અંગો છે-સમગ્ય દર્શન, સમ્ય જ્ઞાન અને સમ્યગું ચારિત્ર. જૈન ધર્મમાં યોગવિષયક વિપુલ અને સમૃદ્ધ સાહિત્ય ઉપલબ્ધ છે, પણ યોગપરંપરાની વિસ્મૃતિ અને અભ્યાસના અભાવે ઓછું પરિચિત છે. સૌથી પ્રાચીન આગમ ‘શ્રી આચારાંગ સૂત્ર’ તેમ જ બીજા આગમ ગ્રંથોમાં જૈન ધર્મની સાધનાપદ્ધતિનું નિરૂપણ મળે છે, એ પછીના આચાર્યોના ગ્રંથોમાં યોગ વિશે વિવેચન મળે છે. એમના સાહિત્યમાં તીર્થકરોની ‘યોગીશ્વર’, ‘યોગકુશળ’, ‘યોગીન્દ્ર' વગેરે વિશેષણોથી સ્તવના કરી છે, જેમ કે, “શ્રી ભક્તામર સ્તોત્ર'માં આચાર્ય શ્રી માનતુંગસૂરિજીએ પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવને ‘યોગીશ્વર' તરીકે સંબોધ્યા છે,