________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 467 ' ઉપસંહાર માનવો અમૃતના પુત્રો, પણ ગર્ભમાંથી જ મૃત્યુને વરેલા. આદિકાળથી માનવજાત મૃત્યુના રહસ્યને ઉકેલવા મથે છે. પણ ઉકેલી શકી નથી. તેથી જ તો સૌને માટે નચિકેતા થવાનું અઘરું છે. મૃત્યુ એટલે શું? એ કેવું હોય? એનો રંગ કેવો હશે? એનું રૂપ કેવું હશે? માણસ મૃત્યુ પામે ત્યારે, એ અંતિમ પળે એને શું થતું હશે ? આ બધા પ્રશ્નો વિશે વિશ્વભરમાં ઘણું ઘણું લખાયું છે, વિચારાયું છે. કવિઓએ પણ આ અંગે પોતાની કલ્પના-શક્તિને કામે લગાડી છે. ને છતાં આ બધાજ પ્રશ્નો અંતે પ્રશ્નો જ રહે છે. મૃત્યુ વિશે વિચારતાં માનવની બુદ્ધિ, હૃદય, કલમ, શબ્દો બધું જ અંતે વિરમી જાય છે. કવિ ન્હાનાલાલે જે વાત ઈશ્વર માટે કહી છે, એ મૃત્યુ માટે પણ એટલી જ સાચી છે. “જીભ થાકીને વિરમે રે વિરાટ વિરાટ વદી.” “મરણ'ને ઓળખવાનો દાવો કરનાર પણ પછી આત્મદર્શન કરતાં મૂંઝાઈ જાય છે, ને નિખાલસતાથી કબૂલી લે છે. “મરણ પૂર્ણવિરામ છે કે અલ્પવિરામ એની ખબર પડતી નથી.” “મૃત્યુ' ચિંતન કે વિચારનો પ્રદેશ જ નથી. એ અનુભવનો પ્રદેશ છે. ને છતાં જીવનનું એકપણ ક્ષેત્ર એવું નથી, જેમાં મૃત્યુનો વિચાર ન થયો હોય. શોપનહોવર મૃત્યુને તત્ત્વજ્ઞાનની દેવી કહે છે. અહીં શરૂમાં ભારતીય વિચારધારા તેમજ પાશ્ચાત્ય વિચારધારા પ્રમાણેની મૃત્યુની વિભાવના વિશે અભ્યાસ કરવાનો થોડો પ્રયત્ન કર્યો છે. મૃત્યુને વૈદિક ભાષામાં “અશનાયા' કહેવામાં આવ્યું છે. મહાભારતના “શાંતિપર્વમાં મૃત્યુની ઉત્પત્તિ, તેમજ જીવના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે “કઠોપનિષદ'ના નચિકેતાવૃત્તાંતમાં મૃત્યુની રહસ્યકથા વર્ણવવામાં આવી છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં મૃત્યુની અનિવાર્યતા, આત્માની અમરતા, તેમજ જીવનસાતત્યની મીંમાસા કરવામાં આવી છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને પણ એમના “ભારતીય દર્શન' ગ્રંથમાં મૃત્યુ વિશેની અલગ અલગ ધર્મ તથા પરંપરાને ધ્યાનમાં રાખી છણાવટ કરી છે. શ્રી અરવિંદના મહાકાવ્ય સાવિત્રીમાં મૃત્યુના સ્વરૂપનું ભારતીય દષ્ટિબિંદુ કાવ્યમય ભાષામાં રજૂ થયું છે. ને અંતે મૃત્યુ પર પ્રેમનો વિજય સ્થાપિત કર્યો છે. જીવન અને મૃત્યુનાં રહસ્યો પરસ્પરનાં સંદર્ભદ્વારા જ ઓળખાય. અનેક પ્રશ્નોના ફણગા મૃત્યુના મહાપ્રશ્નમાંથી ફૂટે છે. જેઓ મહાકાળની સામે માથું ઊંચકી શકે છે, તેમને શોક, જરા મૃત્યુથી ભરેલા કાળા સમુદ્ર પર પણ “અમૃતનો સેતુ' દેખાય છે. માણસ ન તો જન્મે છે, ન મરે છે, માત્ર રૂપ બદલાય છે. મૃત્યુમાં સૂક્ષ્મ શરીર મરતું નથી, સ્થૂળ જ મરે છે. સૂક્ષ્મ તંતુઓથી ઘેરાયેલું શરીર ફરી યાત્રા કરે છે. પશ્ચિમની વિચારધારામાં માનવ સૌ પ્રથમ મૃત્યવિહીન હોવાનું કહેવાયું છે. પરંતુ દેવોએ કરેલી માનવોની ઈર્ષાને કારણે પૃથ્વી પર “મૃત્યુનું અવતરણ થયું હોવાનું તેઓ માને છે. ને પછી મૃત્યુના સાર્વત્રિક ભયે મૃત્યુની અનિવાર્યતા અંગે હઠીલી માન્યતાઓને જન્મ આપ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust