________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 377 ૧૯૮૭માં ભગવતીકુમાર શર્મા “છન્દો છે પાંદડા જેનાં સંગ્રહ પ્રકટ કરે છે. જેમાં વિષાદની રમ્ય વાચા'નો અનુભવ થાય છે. “ફરીથી' કાવ્યને વિષ્ણુપ્રસાદે અવિસ્મરણીય ગણાવ્યું છે. પિતાની મૃત્યુશધ્યાનું કવિએ કરેલું વર્ણન હૃદયસ્પર્શી છે. મૃત્યુનું ક્યાંય નામ પાડ્યા વિના મૃત્યુની આખા ઘરમાં વ્યાપેલી ઉપસ્થિતિનું કવિએ સરસ વર્ણન કર્યું છે. અર્ધા ખુલ્લા જનકમુખમાં કંપતે હાથ માતા મૂકે લીલું મરણ તુલસીનું ભીડી હોઠ સૂકા” 27 પિતૃકંઠે' પણ સદ્ગત પિતાનાં સ્મરણવલયની કથા છે. પોથીના પાન પરના કંકુવાળા હાથના સ્પર્શ લીલી સ્મૃતિની સૃષ્ટિ ખડી કરે છે. બે શિશુ સોનેટ “નવલજન્સ” અને બાલ્યવય રે ગઈ માતૃવંદનાનાં કાવ્યો છે. શિશુપગલીઓ જીવન જીવવાની પ્રેરણા આપે છે. પણ તરત આ બધામાં, કાલગર્ભે ડૂબેલી, અવસાન પામેલી મા યાદ આવી જાય છે. બીજા સૉનેટમાં પણ આ જ વાત જુદી રીતે કહેવાઈ છે. માતાના અવસાન સાથે શૈશવ લુપ્ત થયાનો અનુભવ થાય છે. કવયિત્રી ઇન્દુમતી મહેતા ૧૯૭૬માં “સંજીવની' કાવ્યસંગ્રહ પ્રકાશિત કરે છે. જેમાં મહદ્અંશે સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પતાં કાવ્યોનો સમાવેશ છે. ભાઈના મૃત્યુ પ્રસંગે “વીરને સ્મરણાંજલિ” ડોલનશૈલીમાં લખાયેલું કાવ્ય છે. “સુમધુર પુષ્પનાં જીવન અતિ આછેરાં છે.' કહી તેઓ ટૂંકા આયુષ્યની વેદનાને શબ્દબદ્ધ કરે છે. અહીં કવિત્વ સામાન્ય છે, લાગણીનો ઉદ્રક વધુ. ૧૯૭૮માં અવસાન પામેલા કવિ શિવ પંડ્યાનો “કાવ્યો' નામનો મરણોત્તર સંગ્રહ ૧૯૮૯માં પ્રગટ થાય છે. જેનું વર્ચસ્વ લૂંટાઈ ગયું છે એવી વિધવાની કરુણ સ્થિતિનું વર્ણન કવિ એકસો અગિયારમાં કાવ્યમાં કરે છે. લગ્ન વખતે ઉંબરમાં કંકુની પાડેલી પગલીનો રંગ રાખમાં કોણે પલટાવી નાખ્યો? એવો પ્રશ્ન કવિ અહીં પૂછે છે. રક્ષા દવે ૧૯૭૯માં “સૂરજમુખી' નામનો સંગ્રહ પ્રગટ કરે છે. મૃત્યુને કરુણ ઘટના તરીકે નિરૂપતાં કવયિત્રી “અંતિમ વિદાય આપવાની ઘટનાને ઘણી વસમી કહે છે. " “આવજો'નું હોઠો પર આવવું તો અમને પુષ્પોથી પાંખ તોડ્યાની જેવું” 28 “સૂરજમુખી' સંગ્રહ પ્રેસમાં હતો એ વખતે જ કવયિત્રીના નાનાજીનું અવસાન થાય છે. એમને ઉદ્દેશી લખાયેલું કાવ્ય કેવળ લાગણીના ઉદ્રકરૂપે જ અહીં પ્રકટ્યું છે. વળગણી પર નાનાજીનાં વસ્ત્રો હવે સૂકાતાં નથી, એ વેદના સહજ રીતે પ્રકટ કરતાં તેઓ કહે છે. “ઉફ ! વળગણી પર ઝૂલે વસ્ત્રો એમાં આજ બે ઓછાં” 29 આવડો મોટો ઘરનો મોભ ઘડીમાં ઉંબર બહાર થઈ ગયાની વેદના કવયિત્રીએ અહીં વ્યક્ત કરી છે. શત કલબલ વચ્ચેય હંમેશ માટે ચૂપ થઈ ગયેલા એક અવાજની પ્યાસ કવયિત્રીને છે. “મોસાળે ખત લખવા ટાણે પૂજ્ય' લખીને અટકું વાંચણહાર વહ્યા ગયા હવે નામ લખી શું કરવું?” 30 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust