________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 368 શ્વેતકેશ ને વચ્ચે * એક દોણી” 5 કોઈ કવિજનને ચિતામાંથી કંઈક લખવું સાંભરી આવવાનો સંદર્ભ બાવનમાં હાઈકુમાં કરાયો છે. “અર્ધ બળેલું, મડદું બેઠું થયું એને કોઈ “પેન’ સાંભરી.” - સુશીલા ઝવેરીની કાવ્યરચનાઓનો વ્યાપ 1963 થી 1985 સુધીનો હોવાથી, એમને અદ્યતન કવિતામાં સમાવ્યાં છે. જો કે વિશિષ્ટતાઓની દષ્ટિએ એમની કવિતા અદ્યતનયુગ સાથે તાલ મિલાવતી નથી. સુશીલા ઝવેરીનું એક અગત્યનું પાસું વેદનાનું છે. જે ઘરમાં બાળકનું મૃત્યુ થયું છે, એ ઘર યમદૂતને કોઈ શત્રુએ જ બતાવ્યાનું તેઓ કહે છે. (કૈરવવન') શિશુનાં રમકડાં ને ચોપડીઓ જોતાં રમત છોડી અચાનક હંમેશ માટે ચાલ્યા ગયેલા બાળકની યાદથી વ્યથિત થતી માની વેદના તેઓ સુપેરે આલેખે છે. માના અવસાને અનુભવાયેલી નિરાધારી “મા” કાવ્યમાં વ્યક્ત થઈ છે. પ્રિયજનના મૃત્યુ સમયને ફરી સજીવન થતો જાણે સ્મરણરૂપે અનુભવતાં તીવ્ર વેદના વ્યાપે છે. સ્વજન જતાં મશરૂશયામાં થોકબંધ થૉર ઊગ્યાનો અનુભવ થાય છે. હૈયાને સ્મરણના ડાઘ પડે છે. પહેલાં આંસુના અછોવાના થતા, હવે આંસુ લૂછનાર ચાલ્યો ગયો છે. આંખમાં રડી રડીને ખાડો પડ્યો છે. “શિશુ મૃત્યુની વેદના'માં કવયિત્રીએ મર્મસ્પર્શી સંવેદના ઝીલી છે. શત્રુએ પોતાનું સરનામું યમદેવને બતાવ્યાની વાત હૃદયસ્પર્શી છે. કોરી કટ આંખ, ને ઉજ્જડ હૈયામાં એમને “શબ્દોનું શૈશવ' ઊગાડવું છે. “છૂટી ગયો ટહુકો'માં ફરી શિશુમૃત્યુની જ વેદના વ્યક્ત થઈ છે. લીલુંછમ પાન તૂટતાં પેલી ડાળીઓ રોમેરોમ વીંધાય છે. આખી જીવનસીમ ઉજ્જડ થઈ જાય છે. બિછડ્યા પાનની વેદના હૈયાને વીંધે છે. “દુહિતાગતા'માં પુત્રીની અવલ ભેટ આપીને ઝૂંટવી લેનાર વિધાતા પ્રત્યેનો કરુણ આક્રોશ વ્યક્ત થાય છે. ૧૯૭૯માં પતિનું અવસાન થતાં સુશીલા ઝવેરી ક્ષણોનું આલ્બમ’ નામનું શોકકાવ્ય આપે છે. ભલે, કાળજા પર પથ્થર મૂકીને, પણ કવયિત્રી મૃત્યુનો, રાજરાણીની કૂખે જન્મેલા પાટવીકુંવરની જેમ સ્વીકાર જ નહિ, સત્કાર પણ કરે છે. પણ અચાનક વહાલસોયા વૃક્ષના મૃત્યુની વેદના સ્વજન મૃત્યુની યાદ અપાવે છે. આંખ સામે સ્વજનનું વૃક્ષનું) મૃત્યુ થયાની વેદના અનુભવતાં કવયિત્રીને પંખીઓ પ્રભાતિયાં ગાઈને હવે જગાડશે નહિ એની ચિંતા ચન્દ્રા જાડેજા એમનાં સ્વ. માતૃશ્રી રાજેન્દ્રકુમારી બાસાહેબના અવસાન નિમિત્તે “જીવનદાત્રી(“સ્મરણિકા') પ્રકટ કરે છે. 1968 (૧૩/૧૦/૧૯૬૮)માં કવયિત્રીનાં માતૃશ્રીનું અવસાન થતાં, ૧૯૬૯માં પોતાની ચેતના સ્તબ્ધ થઈ જતાં આ કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. વિશ્વનો સૂત્રધાર આયુષ્યનું દૃશ્ય સમેટતો રહ્યો. રહસ્ય છતું ન થયું, ને છેલ્લો પડદો પડી ગયો, બધું સમાપ્ત થઈ ગયું. પુત્રીએ પોતાને લલાટે સ્પર્શ કરતી વાત્સલ્ય-સભર આંગળી ગુમાવી. “છેલ્લી કડીમાં કવયિત્રી કહે છે, મા ચાલ્યાં ગયાં એનોય એમને રંજ નથી, પણ એ ધ્રૂજતી કાયાને એક વાર પંપાળવી હતી એમને, એમની આંખમાં આંખ પરોવી અખૂટ વાત્સલ્યની છેલ્લી કડી ગાવી હતી. માના અવસાને કવયિત્રીને રાતરાણીનાં ફૂલ થીજી ગયેલાં અશ્રુબિંદુ લાગે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust