________________
હૃદયોદ્ગારની એક યાદી બનાવવામાં આવી છે.
આ યાદી કેટલાંક જિજ્ઞાસુના હાથે ચડી જતાં એમને ખૂબ ગમી ગઈ. એમને થયું કે...આપણે જે માણ્યું છે તે સહુ માણે!' ચાલો ત્યારે એને સહુના ભાણે પીરસિયે! ગમતાનો કરીએ ગુલાલ ! કવિશ્રી કલાપી પણ કહે છે... “જે માણ્યું એનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું.”
એ સદ્ભાવના પરિપાક રૂપે જે નિર્માણ થયેલ છે, તે આ ‘નિજાનંદનો નિષ્કર્ષ''; આપના કરકમલમાં અર્પિત કરવામાં આવે છે. આપ એ પ્રસાદના પ્રભાવને જીવનમાં અનુભવો .! માણેલાનું સ્મરણ કરો ! એને વિચારો ! વાગોળો! હૃદયમાં ટંકોત્કીર્ણ કરી હૃદયને ઉજમાળો !
આશા છે આપ આ પીરસાયેલ વાનગીને આરોગશો અને હૃદયની તૃપ્તિને અનુભવશો ! આપ એને જરૂર માણશો, માનશો, સ્મરશો અને આદરશો !
બધું જ કાંઈ બધાંને સમજાઈ જાય એવું નથી હોતું કારણકે આ સિંધુની બિંદુરૂપ ઝલક છે. આ હૃદયસ્પર્શી હૃદયવાણી છે, વેધક વીતરાગવાણી છે, શબ્દવેધી શબ્દ બાણ છે, તેથી જે ન સમજાય, તે ગુરૂગમથી સમજી લેવા પ્રયત્નશીલ રહેશો. સમજશો તો સદ્દહશો ! સહશો તો પરિણમાવશો અને પરિણમાવશો તો શાશ્વત સુખના સદાને માટે ભોક્તા બનશો. એજ અમારી આરઝૂ !!!
સુભાષિતોનું વિષયવાર વર્ગીકરણ કરવાના કારણે જે પુનરોક્તિ થઈ છે, તેને ઔષધિને અપાયેલા પૂટરૂપ ગણી ક્ષેતવ્ય લેખશો.
સૂર્યવદનભાઈ ઝવેરી • ઉમશેભાઈ સંઘવી પીયુષભાઈ શાહ જય જિનેન્દ્ર સહ સાદર પ્રણામ !