________________
૮૬
સમ્યગ્દર્શનની રીત
૨૪
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
સમ્યગ્દર્શન માટેની જીવની યોગ્યતા વિશે જણાવે છે, પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથાઓ :
ગાથા ૭૨૪ : અન્વયાર્થ :- ‘એ આઠે મૂળ ગુણો સ્વભાવથી અથવા કુળપરંપરાથી પણ આવે છે અર્થાત્ ગૃહસ્થોને પ્રાપ્ત થાય છે તથા આ સ્પષ્ટ છે કે એ મૂળ ગુણો વિના જીવોને સર્વ પ્રકારના વ્રત તથા સમ્યક્ત્વ હોઈ શકતાં નથી.’’ અર્થાત્ મૂળ ગુણોને જીવની સમ્યગ્દર્શન માટેની યોગ્યતારૂપ કહ્યા.
‘રત્નકદંડક શ્રાવકાચાર’ શ્લોક ૬૬ અનુસાર - ‘‘મુનિઓમાં ઉત્તમ ગણધરાદિક દેવ મદ્યત્યાગ, માંસત્યાગ અને મધુત્યાગ સાથે પાંચ અણુવ્રતોને ગૃહસ્થોના આઠ મૂળ ગુણ કહે છે.’’
ગાથા ૭૪૦ : અન્વયાર્થ :- ‘‘ગૃહસ્થોએ પોતાની શક્તિ અનુસાર પ્રતિમારૂપથી વ્રત અથવા વિના પ્રતિમારૂપથી વ્રત – એ પ્રમાણે બન્ને પ્રકારના સંયમનો પણ પાલન કરવો જોઈએ.’’ અર્થાત્ સર્વે જનોએ માત્ર આત્મલક્ષે અર્થાત્ આત્મપ્રાપ્તિ અર્થે સંયમનો પણ પાલન કરવો જોઈએ.
આ જ વાત પરમાત્મપ્રકાશ - મોક્ષાધિકાર ગાથા ૬૪માં આ રીતે જણાવેલ છે કે, ‘‘પંચપરમેષ્ઠીને વંદન, પોતાના અશુભ કર્મોની નિંદા અને અપરાધોની પ્રાયશ્ચિત્તાદિ (પ્રતિક્રમણ) વિધિથી નિવૃત્તિ - આ બધું પુણ્યનું કારણ છે, મોક્ષનું કારણ નથી, એટલા માટે પહેલી અવસ્થામાં પાપને દૂર કરવા માટે જ્ઞાની પુરુષ આ બધું કરે છે, કરાવે છે અને કરવાવાળાને સારું જાણે છે, તો પણ નિર્વિકલ્પ શુદ્ધોપયોગ અવસ્થામાં જ્ઞાની જીવ આ ત્રણેમાંથી એક પણ ન કરે, ન કરાવે અને કરવાવાળાને સારું ન જાણે (કારણ કે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ અવસ્થામાં જ્ઞાની જીવને કોઈ જ વિકલ્પ નથી હોતા).’’ અર્થાત્ ભૂમિકા અનુસાર ઉપદેશ હોય છે અન્યથા નહિ, એકાંતે નહિ.
તેથી પ્રથમ અવસ્થામાં અર્થાત્ સમ્યકત્વ સન્મુખ મિથ્યાદષ્ટિ જીવોને પાપથી મુક્ત થવાનો અને સમત્વભાવ પ્રાપ્ત કરવાનો નીચે જણાવ્યા અનુસાર પ્રયોગાત્મક અભ્યાસ કરવો જોઈએ. કેમ કે માત્ર વાચા જ્ઞાનથી પોતાનું કલ્યાણ થવું અત્યંત કઠિન છે. આ કારણે અમે આગળ પ્રયોગાત્મક સાધના બતાવીએ છીએ, જે સર્વે માટે યોગ્યતા કેળવવા અને યોગ્યતા ટકાવી રાખવા માટે કાર્યકારી છે. તદુપરાંત નીચે જણાવેલ પ્રયોગાત્મક સાધનાઓ સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી પણ પોતાની ભૂમિકા અનુસાર સ્વયંમેવ હોય છે.
સૌપ્રથમ વિશ્વના સર્વ જીવો પ્રત્યે આપણે નીચે કહ્યા પ્રમાણે ચાર જ ભાવ કરવાના છે અર્થાત્ તેઓને આ ચાર ભાવોમાં જ વર્ગીકૃત કરવાના છે. અન્યથા કરેલા ભાવ આપણા માટે બંધનરૂપ બની શકે છે.