________________
૨૨
સ્વાનુભૂતિ વગરની શ્રદ્ધા
૮૩
હવે સ્વાનુભૂતિ વગરની શ્રદ્ધા વિશે જણાવે છે - પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથા :
ગાથા ૪૨૩ : અન્વયાર્થ :- ‘‘સ્વાનુભૂતિ વિનાની શ્રદ્ધા (અર્થાત્ કોઈ એમ માને કે નવ તત્ત્વની શ્રદ્ધા તે જ સમ્યગ્દર્શન અથવા સાચા દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન માનતાં હોય તો તેવી સ્વાનુભૂતિ વિનાની શ્રદ્ધા) સમીચીન (સાચી - કાર્યકારી) શ્રદ્ધા હોતી નથી, તેથી જે સમ્યગ્દર્શનના લક્ષણભૂત શ્રદ્ધા યોગિકઢિ-નિરુક્તિથી (અર્થાત્ સ્વાનુભૂતિરૂપ યોગસહિતની) સિદ્ધ અર્થવાળી છે (અર્થાત્ સાચી છે – કાર્યકારી છે) તે પણ વાસ્તવમાં સ્વાનુભૂતિની માફક અવિરુદ્ધ કથન છે (તેવું શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન તે સ્વાનુભૂતિરૂપ સમ્યગ્દર્શન જ છે.).''
અર્થાત્ સ્વાનુભૂતિ વગરની શ્રદ્ધા કાર્યકારી નથી અર્થાત્ પૂર્વે જણાવ્યા અનુસાર માત્ર વ્યવહારનયને જ માન્ય કરનારા મોટા ભાગના જૈનો એવું માને છે કે, સમ્યગ્દર્શન એટલે સાત/નવ તત્ત્વોની (સ્વાત્માનુભૂતિ વગરની) શ્રદ્ધા અથવા સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની (સ્વાત્માનુભૂતિ વગરની) શ્રદ્ધા. સમ્યગ્દર્શનની આ વ્યાખ્યા વ્યવહારનયના પક્ષની છે અર્થાત્ તેવી સ્વાનુભૂતિ વિનાની શ્રદ્ધા સમીચીન (સાચી – કાર્યકારી) શ્રદ્ધા હોતી નથી, તેથી જે સમ્યગ્દર્શનના લક્ષણભૂત શ્રદ્ધા યોગિકઢિ-નિરુક્તિથી અર્થાત્ સ્વાત્માનુભૂતિરૂપ યોગસહિતની સિદ્ધ અર્થવાળી છે અર્થાત્ સાચી છે = કાર્યકારી છે અને તે સમીચીન (સાચી – કાર્યકારી) શ્રદ્ધા પણ વાસ્તવમાં સ્વાનુભૂતિની માફક અવિરુદ્ધ કથન છે અર્થાત્ તેવું શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન તે સ્વાનુભૂતિરૂપ સમ્યગ્દર્શન જ છે. અર્થાત્ જે એકને અર્થાત્ આત્માને જાણે છે તે જ સર્વને અર્થાત્ સાત/નવ તત્ત્વોને અને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને જાણે છે. કારણ કે એક આત્માને જાણતાં જ તે જીવ સાચા દેવ તત્ત્વનો અંશે અનુભવ કરે છે અને તેથી જ તે સાચા દેવને અંતરથી ઓળખે છે અને તેમ સાચા દેવને જાણતાં જ અર્થાત્ (સ્વાત્માનુભૂતિ સહિતની) શ્રદ્ધા થતાં જ તે જીવ તેવા દેવ બનવાના માર્ગે ચાલતા સાચા ગુરુને પણ અંતરથી ઓળખે છે અને સાથે સાથે તે જીવ તેવા દેવ બનવાનો માર્ગ બતાવતા સાચા શાસ્ત્રને પણ ઓળખે છે.