________________
નિમિત્ત-ઉપાદાનની સ્પષ્ટતા
૮૧
છદ્મસ્થ જીવનો આવો જ સ્વભાવ છે કે ખરાબ નિમિત્તથી એનું પતન થઈ શકે છે, આવો છે અનેકાંતવાદ જૈન સિદ્ધાંતનો. અર્થાત્ કોઈ નિમિત્તને એકાંતે અક્ત માને અને એમ જ પ્રરૂપણા કરે, તો તે જિનમત બાહ્ય જ છે, તેવા જીવો પોતાના અને અન્ય અનેકોના પતનનું કારણ છે. એ જ વાત આ શ્લોકમાં બતાવી છે કે શુદ્ધાત્મા સ્વયં શુદ્ધ હોવાથી, રાગાદિરૂપે પોતાની મેળે ક્યારેય નથી પરિણમતો, પરંતુ તેમાં નિમિત્ત પરસંગ જ (-પરદ્રવ્યનો સંગ જ) છે. વસ્તુનો આવો સ્વભાવ પ્રકાશમાન છે. અર્થાત્ સદા વસ્તુનો આવો જ સ્વભાવ છે, કોઈએ કર્યો નથી. અર્થાત્ નિમિત્ત સ્વયં ઉપાદાન રૂપે પરિણમતું ન હોવા છતાં તે અમુક સંજોગોમાં ઉપાદાનને અસર કરે અને એને જ વસ્તુનો સ્વભાવ કહ્યો છે. એટલે જૈન સિદ્ધાંતને વિવેકથી ગ્રહણ કરાય છે અને અપેક્ષાથી સમજી શકાય છે નહીં કે એકાંતે કે જે મહા અનર્થનું કારણ છે.
અન્યથા કોઈ એકાંતે એમ માને કે નિમિત્ત તો પરમ અકર્તા જ છે, અને સ્વચ્છેદે કરી ગમે તેવા નિમિત્તોનું સેવન કરે, તો તેને નિયમથી મિથ્યાત્વી અને અનંત સંસારી જ સમજવો; કારણ કે તેને નિમિત્તનું યથાર્થ જ્ઞાન જ નથી. તેથી જ કહ્યું કે નિશ્ચયથી કાર્ય નિમિત્તથી તો થતું જ નથી; કારણ કે ઉપાદાન સ્વયં જ કાર્યરૂપે પરિણમે છે, નહિ કે નિમિત્ત; પરંતુ કાર્ય નિમિત્ત વગર પણ થતું નથી જ. કારણ કે જ્યારે કોઈ પણ કાર્ય થાય ત્યારે તેને યોગ્ય નિમિત્તની હાજરી અચૂક જ – અવિનાભાવે જ હોય છે અને તેથી જ મુમુક્ષુ જીવ વિવેકે કરી હંમેશાં નબળા નિમિત્તોથી બચવાની જ કોશિશો કરે છે કે જે તેના પતનના કારણ બની શકે છે અને આ જ નિમિત્ત ઉપાદાનની યથાર્થ સમજણ છે; નિમિત્ત-ઉપાદાનની વિશેષ છણાવટ આગળ સમયસારના નિમિત્ત-ઉપાદાનના અધિકારમાં પણ કરીશું.
22