________________
સમ્યગ્દષ્ટિને ભોગ બંધનું કારણ નથી
૭૯
તે સર્વદુઃખ જ છે તથા તે દુઃખ આત્માનો ધર્મ નહિ હોવાથી સમ્યગ્દષ્ટિઓને તે દુઃખરૂપ સાંસારિક સુખોની અભિલાષા થતી નથી.” અર્થાત્ સમ્યગ્દષ્ટિઓને સુખના આકર્ષણનો અભિપ્રાય હોતો નથી.
ગાથા ૨૭૧થી ૨૭૬ અન્વયાર્થ :- “જેમ રોગની પ્રતિક્રિયા કરતો કોઈ રોગી પુરુષ તે રોગઅવસ્થામાં રોગના પદને ઈચ્છતો નથી અર્થાત્ સરોગ અવસ્થાને ચાહતો નથી (અર્થાત્ જ્ઞાની પોતે જાણે છે કે આ જે હું રાગદ્વેષરૂપ પરિણમું છું તે મારી રોગગ્રસ્ત અવસ્થા છે, કારણ તેણે શુદ્ધાત્માનો સ્વાદ અનુભવેલ છે તો ફરી ફરી તે તેવી રાગગ્રસ્ત = રોગગ્રસ્ત અવસ્થા કેમ ઈચ્છે ? અર્થાત્ નથી ઇચ્છતો), તો પછી બીજી વખત રોગ ઉત્પન્ન થવાની ઈચ્છાના વિષયમાં (અર્થાત્ નવીન કર્મબંધ થાય એવાં કારણોમાં તો તે પ્રવર્તે જ શું કામ ? અર્થાત્ પુરુષાર્થની નબળાઈન હોય તો ન જ પ્રવર્તે) તો કહેવું જ શું? અર્થાત્ ફરીથી રોગની ઉત્પત્તિ તો તે ઈચ્છવાનો જ નથી. એ જ પ્રમાણે જ્યારે ભાવકર્મો દ્વારા પીડિત થતો કર્મજન્ય ક્રિયાઓને કરવાવાળો જ્ઞાની કોઈ પણ કર્મપદની ઈચ્છા કરતો નથી, તો પછી તે ઇન્દ્રિયોના વિષયોનો અભિલાષી છે એમ ક્યા ન્યાયથી કહી શકાય ? – કર્મમાત્રને નહિ ઈચ્છવાવાળા તે સમ્યગ્દષ્ટિને વેદનાનો પ્રતિકાર પણ અસિદ્ધ નથી (અર્થાત્ પ્રતિકાર હોય છે), કારણ કે – કષાયરૂપ રોગ સહિત તે સમ્યગ્દષ્ટિને વેદનાનો પ્રતિકાર નવીન રોગાદિને ઉત્પન્ન કરવામાં કારણરૂપ કહી શકાતો નથી (અર્થાત્ તેને તે વેદનાનો પ્રતિકાર અર્થાત્ રોગની દવા તરીકે સેવેલ ભોગ નવીન કર્મોના બંધરૂપ કહી શકાતો નથી). તે સમ્યગ્દષ્ટિ ભોગોનું સેવન કરતો હોવા છતાં પણ વાસ્તવમાં ભોગોનું સેવન કરવાવાળો કહેવાતો નથી; કારણ કે રાગરહિત (અર્થાત્ રાગમાં હુંપણું નથી એવો સમ્યગ્દષ્ટિ) જીવને કર્તા બુદ્ધિ વિના કરેલા કર્મ રાગના કારણ નથી. જો કે કોઈ કોઈ સમ્યગ્દષ્ટિ જીવને અર્થાત્ જઘન્યવર્તી (અર્થાત્ ચોથા ગુણસ્થાનકવાળા) સમ્યગ્દષ્ટિને કર્મચેતના તથા કર્મફળચેતના હોય છે (અર્થાત્ કર્તા-ભોક્તાભાવ જોવા મળે છે), તો પણ વાસ્તવમાં તે જ્ઞાનચેતના જ છે (કારણ કે તે દેખીતા કર્તા-ભોક્તાભાવમાં હુંપણું ન હોવાથી તેને જ્ઞાનચેતના જ છે). કર્મમાં તથા કર્મફળમાં રહેવાવાળી ચેતનાનું ફળ બંધ થાય છે, પરંતુ તે સમ્યગ્દષ્ટિને અજ્ઞાનમય રાગનો અભાવ હોવાથી (અર્થાત્ રાગમાં ‘હુંપણાનો અભાવ હોવાથી) બંધ થતો નથી, તેથી તે જ્ઞાનચેતના જ છે.”
સમ્યગ્દર્શનની પૂર્વભૂમિકામાં અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કર્યા બાદ દરેક જીવને પ્રથમ ક્ષણથી જ અભિપ્રાયમાં સંસાર વિરક્તિ હોય છે. આવા જીવ પોતાના પુરુષાર્થની કમજોરીના કારણે ભોગ ભોગવતા દેખાય છે, તો પણ તેમના અભિપ્રાયમાં ભોગ પ્રત્યે કોઈ આસક્તિ ન હોવાથી બંધ નહિવત જ થાય છે. આવું છે રહસ્ય સમ્યગ્દષ્ટિને ભોગ - બંધનું કારણ ન હોવાનું. આગળ અમે નિમિત્ત-ઉપાદાન બાબતમાં કંઈક જણાવવાનો પ્રયાસ કરીએ છીએ.