________________
સમ્યગ્દર્શનની રીત
૧૮ સમ્યગ્દર્શનનું લક્ષણ
હવે સમ્યગ્દર્શનનું લક્ષણ જણાવે છે – પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથાઓ -
ગાથા ૨૧૫ : અન્વયાર્થ :- “તથા કેવળ આત્માની ઉપલબ્ધિ (અર્થાત્ “હું આત્મા છું' એવી સમજ) પણ સમ્યગ્દર્શનનું લક્ષણ બની શકતી નથી, પરંતુ જો તે ઉપલબ્ધિ “શુદ્ધ' વિશેષણસહિત હોય અર્થાત્ શુદ્ધ આત્મોપલબ્ધિ હોય (અર્થાત્ માત્ર ‘શુદ્ધાત્મા'માં જ હુંપણું હોય), તો જ તે સમ્યગ્દર્શનનું લક્ષણ થઈ શકે છે. જે તે આત્મોપલબ્ધિ અશુદ્ધ હોય તો તે સમ્યગ્દર્શનનું લક્ષણ બની શકતી નથી.”
આપણે જે ભેદજ્ઞાનની વાત પૂર્વે કરેલ તે જ અત્રે જણાવેલ છે. ભેદજ્ઞાનરૂપ સ્વ અને પર બે અપેક્ષાએ હોય છે; એક, પરદ્રવ્યરૂપ કર્મો, શરીર, ઘર, મકાન, દુકાન, પત્ની, પુત્ર વગેરેથી હું ભિન્ન છું તેવું અન્ય દ્રવ્ય સાથેનું ભેદજ્ઞાનરૂપ સ્વ-પર હોય છે. અને તે પછીથી જે બીજું સ્વ-પર છે તે જ સમ્યગ્દર્શનનું કારણ અને લક્ષણ છે અને તે બીજા ભેદજ્ઞાનરૂપ સ્વ-પરમાં સ્વરૂપ માત્ર શુદ્ધાત્મા તે સ્વ અને પરરૂપ તમામ અશુદ્ધ ભાવો, કે જે કર્મો(પુદ્ગલ)ના નિમિત્તે થાય છે; તે અશુદ્ધ ભાવો થાય છે તો મારામાં જ અર્થાત્ આત્મા જ તે ભાવરૂપ પરિણમે છે, પરંતુ તે ભાવોમાં હુંપણું કરવા જેવું નથી. કારણ કે તે પરના નિમિત્તે થાય છે અને બીજું તે ક્ષણિક છે, કારણ કે તે સિદ્ધોના આત્મામાં ઉપલબ્ધ નથી. તેથી તે ભાવો ત્રિકાળરૂપ નથી અને તેથી માત્ર ત્રિકાળી ધૃવરૂપ શુદ્ધાત્મા કે જે ત્રણે કાળે દરેક જીવમાં ઉપલબ્ધ છે અને તે જ અપેક્ષાએ “સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે એમ કહેવાય છે, તે ભાવમાં જ અર્થાત્ તે ‘શુદ્ધાત્મા’માં જ હુંપણું કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને તેથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિને સમ્યગ્દર્શનનું લક્ષણ કહ્યું છે.
ગાથા ૨૨૧ : અન્વયાર્થ :- “વસ્તુ (એટલે પૂર્ણ વસ્તુ, તેનો કોઈ એક ભાગ એમ નહીં) સમ્યજ્ઞાનીઓને સામાન્યરૂપથી (પરમ પરિણામિક ભાવરૂપથી, શુદ્ધ દ્રવ્યાયર્થિક નયના વિષયરૂપથી, શુદ્ધાત્મારૂપથી અર્થાત્ કારણશુદ્ધપર્યાયરૂપથી) અનુભવમાં આવે છે તેથી તે વસ્તુ (એટલે પૂર્ણ વસ્તુ) કેવળ સામાન્યરૂપથી શુદ્ધ કહેવાય છે તથા વિશેષ ભેદોની અપેક્ષાએ અશુદ્ધ કહેવાય છે.”