________________
સમ્યગ્દર્શનનું સ્વરૂપ
‘સમ્યગ્દર્શન’ એ મોક્ષમાર્ગના દરવાજા સમાન છે અને પૂર્ણ ભેદજ્ઞાન સ્વરૂપ સ્વાત્માનુભૂતિરૂપ સમ્યગ્દર્શન થયા વગર મોક્ષમાર્ગમાં પ્રવેશ શક્ય જ નથી; આવા ભેદજ્ઞાનયુક્ત-સ્વાત્માનુભૂતિયુક્ત સમ્યગ્દર્શનને જ નિશ્ચય સમ્યગ્દર્શન કહેવાય છે, અને તે જ મોક્ષમાર્ગના પ્રવેશ માટે વાસ્તવિક પરવાનો છે, અને આ પરવાનો મળ્યા બાદ એ જીવ નિયમથી અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં સિદ્ધ થઈ જ જાય છે, તેથી કરીને આ જીવનમાં સૌપ્રથમ જો કાંઈ કરવાયોગ્ય હોય તો તે છે સમ્યગ્દર્શન.
પ્રથમ આપણે સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજીશું. સમ્યગ્દર્શન એટલે દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું. અન્યથા નહિ અને જ્યાં સુધી કોઈ પણ આત્મા પોતાનું યથાર્થ સ્વરૂપ સમજતો નથી અર્થાત્ સ્વની અનુભૂતિ કરતો નથી ત્યાં સુધી દેવ-ગુરુ-ધર્મનું યથાર્થ સ્વરૂપ પણ જાણતો નથી, પરંતુ તે માત્ર દેવગુરુ-ધર્મના બાહ્ય સ્વરૂપની જ શ્રદ્ધા કરે છે અને તે તેને જ સમ્યગ્દર્શન સમજે છે. પરંતુ તેવી દેવ-ગુરુધર્મની બાહ્ય સ્વરૂપની જ શ્રદ્ધા યથાર્થ શ્રદ્ધા નથી અને તેથી તે નિશ્ચય સમ્યગ્દર્શનનું લક્ષણ નથી; કારણ કે જે એકને (આત્માને) જાણે છે તે સર્વેને (જીવ-અજીવ વગેરે નવ તત્ત્વો અને દેવ-ગુરુ-ધર્મનું યથાર્થ
સ્વરૂપને) જાણે છે, અન્યથા નહિ. કારણ કે અન્યથા છે તે વ્યવહાર (ઉપચાર) કથન છે અને તેથી તે સમ્યગ્દર્શન ભવના અંત માટે કાર્યકારી નથી. અર્થાત્ એક આત્માને જાણતાં જ તે જીવ સાચા દેવ તત્ત્વનો અંશે અનુભવ કરે છે અને તેથી તે સાચા દેવને અંતરથી ઓળખે છે અને તેમ સાચા દેવને જાણતાં જ અર્થાત્ (સ્વાત્માનુભૂતિ સહિતની) શ્રદ્ધા થતાં જ તે જીવ તેવા દેવ બનવાના માર્ગે ચાલતા સાચા ગુરુને પણ અંતરથી ઓળખે છે અને સાથે સાથે તે જીવ તેવા દેવ બનવાનો માર્ગ બતાવતા સાચા શાસ્ત્રને પણ ઓળખે છે.
માટે પ્રથમ તો શરીરને આત્મા ન સમજવો અને આત્માને શરીર ન સમજવું અર્થાત્ શરીરમાં આત્માબુદ્ધિ હોવી તે મિથ્યાત્વ છે; શરીર તે પુદ્ગલ (જડ) દ્રવ્યનું બનેલ છે અને આત્મા તે અલગ જ (ચેતન) દ્રવ્ય હોવાથી પુદ્ગલને આત્મા સમજવો અથવા આત્માને પુદ્ગલ સમજવું તે વિપરીત સમજણ છે. બીજી રીતે પુદ્ગલથી ભેદજ્ઞાન અને સ્વના અનુભવરૂપ જ ખરેખરું સમ્યગ્દર્શન હોય છે અને તે કર્મથી