________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
૩૫
અનિત્યાત્મક માનવાથી જ કાર્ય-કારણભાવ પણ સિદ્ધ થઈ શકે છે; પરંતુ સર્વથા નિત્ય વા અનિત્ય પદાર્થોમાં નહિ. કારણ કે સર્વથા નિત્ય પક્ષમાં પરિણામ વિના કાર્ય-કારણભાવ બની શકતો નથી તથા સર્વથા અનિત્ય પક્ષમાં પદાર્થો માત્ર ક્ષણવર્તી કરવાથી અને તેનો પ્રતિસમય નિરન્વયનાશ માનવાથી “નિત્ય શક્તિપિંડરૂપ સત્ (દ્રવ્ય) કારણ છે તથા અનિત્ય પરિણામરૂપ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય તેનાં કાર્ય છે” એવો કાર્ય-કારણભાવ બની શકતો નથી, તેથી કથંચિત્ નિત્ય-અનિત્યાત્મક પદાર્થોમાં જ ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય અને કાર્ય-કારણભાવ સારી રીતે સિદ્ધ થાય છે. કારણ કે નિત્ય-અનિત્યાત્મક પદાર્થોમાં જ સના ઉત્પાદાદિક માનવામાં આવ્યા છે, પણ નિરન્વયનાશરૂપ વા કુટસ્થનિત્યમાં નહિ....”
અર્થાત્ દ્રવ્ય અને પર્યાય એ વસ્તુના બે ભાવ છે, નહિ કે બે ભાગ; અને તેથી જ તેને કથંચિત્ નિત્ય-અનિત્ય કહેવાય છે અને સર્વથા નિત્ય-અનિત્ય એમ નથી કહેવાતું અથવા મનાતું. તેથી જે કોઈ દ્રવ્યને એકાંતે નિત્ય-અપરિણામી અને પર્યાયને એકાંતે અનિત્ય-પરિણામી માનતાં હોય તેઓનું અત્રે નિરાકરણ કરેલ છે અર્થાત્ એવી જેની ધારણા હોય તેઓને પોતાની ધારણા સુધારી લેવા વિનંતિ છે.
ગાથા ૨૦૦ : અન્વયાર્થ :- “નિશ્ચયથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ ત્રણે પર્યાયોમાં થાય છે, પણ સન્ના થતા નથી, પરંતુ જે કારણથી એ ઉત્પાદાદિક પર્યાયો જ દ્રવ્ય છે તેથી દ્રવ્ય એ ઉત્પાદાદિક ત્રયવાળું કહેવામાં આવે છે.”
અત્રે અંશ-અંશીરૂપ ભેદનયની અપેક્ષાએ ઉત્પાદ-વ્યય-ધ્રુવ એ ત્રણેયને ભેદરૂપ પર્યાય સિદ્ધ કરેલ છે. કારણ કે અંશ-અંશીરૂપ ભેદ ન કરવામાં આવે તો સત્નો નાશ-સનો ઉત્પાદ અને સત્નો જ ધ્રૌવ્ય એવી વિરુદ્ધતા ઉદ્ભવે, માટે ભેદનયે કરી સમજાવ્યું છે કે સત્ તો સ્વતઃસિદ્ધ જ હોવા છતાં તે જ ઉત્પાદ-વ્યય-ધૂવરૂપ છે અને તેથી ભેદનયે તે ત્રણે તેની પર્યાય કહેવાય છે. ઉત્પાદનું સ્વરૂપ અને તે ઉત્પાદ કોનો થાય (કહેવાય) છે? ઉત્તર -
ગાથા ૨૦૧ : અન્વયાર્થ:- “તદ્ભાવ (“આ તે જ છે'') અને “અદ્ભાવ (“આ તે નથી')ને વિષય કરવાવાળા નયની અપેક્ષાએ (અર્થાત્ દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ) સત્ સદ્ભાવ અને અસદ્ભાવથી યુક્ત છે તેથી એ ઉત્પાદાદિકમાં નવિનરૂપથી પરિણત તે સત્ની અવસ્થાનું નામ જ ઉત્પાદ છે.”
અર્થાત્ દ્રવ્યની અવસ્થા બદલાય તેને જ ઉત્પાદ કહ્યો અને પૂર્વ અવસ્થાને વ્યય. વ્યયનું સ્વરૂપ અને તે કોનો થાય છે ? ઉત્તર –
ગાથા ૨૦૨ : અન્વયાર્થ:- “તથા વ્યય પણ સત્નો થતો નથી, પરંતુ એ સત્ની અવસ્થાનો નાશ વ્યય કહેવાય છે તથા પ્રવ્વસાભાવરૂપ તે વ્યય સત, પરિણામી હોવાથી સત્નો પણ અવશ્ય કહેવામાં આવ્યો છે.”