________________
સમ્યગ્દર્શનની રીત
જેમ આપણે ઉપર જોયું તેમ ભેદરૂપ વ્યવહાર અભૂતાર્થ છે, તે માત્ર તત્ત્વ સમજવા અથવા સમજાવવા માટે પ્રયોગમાં લેવાય છે, અન્યથા તે કાર્યકારી નથી અને વસ્તુનું સ્વરૂપ તો અભેદ જ છે અને તે જ ભૂતાર્થ છે; તેથી સર્વ કથન, અપેક્ષાએ ગ્રહણ કરવું યોગ્ય છે, અન્યથા અર્થનો અનર્થ થઈ જાય છે અર્થાત્ તેને જે કોઈ એકાંતે ગ્રહણ કરે અથવા સમજાવે, તો તે મિથ્યાદષ્ટિ છે અને તે નષ્ટ થઈ ચૂકેલા છે અર્થાત્ આ મનુષ્યભવ હારી ચૂકેલા છે ઉપર જણાવેલ ગાથા ૬૩૬ જેવી).
દરેક વસ્તુનું કાર્ય વસ્તુથી અભેદ જ હોય છે અને તેને જ તેનું ઉપાદાનરૂપ પરિણમન કહેવાય છે, અને તે કાર્યને અથવા અવસ્થાને વર્તમાન સમય અપેક્ષાએ વર્તમાન પર્યાય કહેવાય છે; આથી કહેવા માટે એમ કહી શકાય છે કે, પર્યાય દ્રવ્યમાંથી આવે છે અને દ્રવ્યમાં જ જાય છે; કારણ કે કોઈ પણ દ્રવ્ય(વસ્તુ)નું કાર્ય તેનાથી અભેદ જ હોય છે છતાં ભેદનયથી આવું કથન કરી શકાય છે. પરંતુ તેથી કરીને, તે બન્ને ભિન્ન ભિન્ન છે તેવું નથી, દ્રવ્ય અને પર્યાયને કથંચિત્ ભિન્ન કહેવાય છે તે આ અપેક્ષાએ.
કોઈ પણ દ્રવ્ય છે તે નિત્ય છે પરંતુ કુટસ્થ નિત્ય નહિ; કારણ કે જે તે વસ્તુનું કોઈ પણ કાર્ય જ માનવામાં ન આવે તો તે વસ્તુનો જ અભાવ થઈ જશે, તેથી કરીને દરેક નિત્ય વસ્તુનું, જે વર્તમાન કાર્ય છે તેને જ તેનો પર્યાય કહેવામાં આવે છે અને આવા ભૂત, ભવિષ્ય અને વર્તમાનના પર્યાયોનો સમૂહ જ દ્રવ્ય (વસ્તુ) છે અર્થાત્ અનુસ્મૃતિથી રચાયેલ પર્યાયોનો સમૂહ તે જ દ્રવ્ય છે.
વસ્તુનો સ્વભાવ છે કે તે ટકીને પરિણમે છે તેથી તે વસ્તુમાં એક ટકતો ભાવ છે અને એક પરિણમતો ભાવ છે, તેમાંથી જે ટકતો ભાવ છે તેને નિત્યરૂપ અર્થાત્ દ્રવ્ય કહેવાય છે, ત્રિકાળી ધ્રુવ કહેવાય છે અને જે પરિણમતો ભાવ છે તેને પર્યાય કહેવાય છે અર્થાત્ વસ્તુમાં એક ટકતો ભાગ અને એક પરિણમતો ભાગ એવા બે ભાગ અર્થાત્ વિભાગ નથી. જે એવા કોઈ વિભાગ માનવામાં આવે, તો વસ્તુ એક - અખંડ-અભેદ ન રહેતાં બે - ભિન્ન થઈ જાય અને એક ભાગ કુટસ્થ અર્થાત્ એક દ્રવ્ય કુટસ્થરૂપ થઈ જાય અને બીજો ભાગ ક્ષણિક અર્થાત્ બીજું દ્રવ્ય ક્ષણિક થઈ જાય, અને આમ થતાં વસ્તુની સિદ્ધિ જ ન થાય. કારણ કે ઉપર જણાવ્યા અનુસાર કોઈ જ દ્રવ્ય તેના કાર્ય વગર કુટસ્થ ન હોય અને કોઈ વસ્તુ ક્ષણિક હોય, તો તે વસ્તુનો જ અભાવ થઈ જાય. આથી કરીને આવા બે દોષ વસ્તુવ્યવસ્થા ન સમજાતાં આવી જશે અને વસ્તુની સિદ્ધિ જ નહિ થાય.
તેથી કરીને પ્રથમ જણાવ્યા અનુસાર વસ્તુનો જે વર્તમાન છે અર્થાત્ તેની જે અવસ્થા છે તેને જ પર્યાય સમજવો અત્યંત આવશ્યક છે અને તે એમ જ છે. અર્થાત્ જ્યારે એમ કહેવામાં આવે કે પર્યાય તો દ્રવ્યમાંથી જ આવે છે અને દ્રવ્યમાં જ જાય છે, તો તેવાં કથનને ઉપર જણાવ્યા અનુસારની અપેક્ષાએ માત્ર વ્યવહાર” અર્થાત્ ઉપચાર-કથન માત્ર સમજવું, નહીં કે વાસ્તવિક. હવે અમે આગળ ઉત્પાદ-વ્યયધ્રુવની યથાર્થ વ્યવસ્થા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ.