________________
૧૯૬
સમ્યગ્દર્શનની રીત
દ્રવ્યદષ્ટિથી જોતાં – ગ્રહણ કરતાં જ તેમાં રહેલ વિભાવભાવરૂપ અશુદ્ધિ દષ્ટિમાં આવતી જ ન હોવાથી સમ્યક પ્રકારે નાશ પામે છે અર્થાત્ અત્યંત ગૌણ થઈ જાય છે અને તેમાં છુપાયેલ આત્મજ્યોતિ અર્થાત્ શુદ્ધાત્મા અનુભવમાં આવે છે, તેવો ભાવ) બંધ-મોક્ષની રચનાથી દૂર વર્તતો (અર્થાત્ ત્રિકાળ શુદ્ધ રૂપભાવ - સામાન્ય ભાવ) શુદ્ધ શુદ્ધ (અર્થાત્ જે રાગાદિક મળ તેમ જ આવરણ - બંનેથી રહિત છે એવો), જેનું પવિત્ર અચળ તેજ નિજ રસના (જ્ઞાનરસના, જ્ઞાનચેતનારૂપી રસના) ફેલાવથી ભરપૂર છે એવો અને જેનો મહિમા ટંકોત્કીર્ણ (અર્થાત્ એવોને એવો જ ઊપજતો હોવાથી) પ્રગટ છે એવો આ જ્ઞાનકુંજ આત્મા પ્રગટ થાય છે (અર્થાત્ અનુભવમાં આવે છે).”
ગાથા ૩૦૮ : ગાથાર્થ :- “જે દ્રવ્ય જે ગુણોથી ઊપજે છે તે ગુણોથી તેને અનન્ય જાણ; જેમ જગતમાં કડાં આદિ પર્યાયોથી સુવર્ણ અનન્ય છે તેમ.”
અર્થાત્ જે પર્યાય છે તે દ્રવ્યનો જ બનેલ છે અર્થાત્ પર્યાયરૂપ વિશેષ ભાવને ગૌણ કરતાં જ સાક્ષાત્ દ્રવ્ય હાજર જ છે તેથી જ પર્યાયદષ્ટિમાં જે પર્યાય છે તે જ દ્રવ્યદષ્ટિએ માત્ર દ્રવ્ય જ છે, ત્યાં પર્યાય અત્યંત ગૌણરૂપે હોવાથી જણાતો જ નથી; આ જ રીત છે શુદ્ધ દ્રવ્યની પ્રાપ્તિની.
ગાથા ૩૦૯ : ગાથાર્થ :- “જીવ અને અજીવનાં જે પરિણામો સૂત્રમાં દર્શાવ્યાં છે, તે પરિણામોથી તે જીવ અથવા અજીવને અનન્ય જાણ.” આ જ કારણ છે કે દષ્ટિનો (સમ્યગ્દર્શનનો) વિષય કે જે પર્યાયથી રહિત દ્રવ્ય કહેવાય છે તેને પ્રાપ્ત કરવાની વિધિ ગાથા ૨૯૪માં પ્રજ્ઞારૂપ છીણી = ભગવતી પ્રજ્ઞા = જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ = તત્ત્વના નિર્ણય સહિતની બુદ્ધિ કહી. તેથી કરીને વિભાવરૂપ ભાવને ગૌણ કરતાં જ શુદ્ધ નયરૂપ = સમયસારરૂપ આત્મા પ્રાપ્ત થાય છે.
ગાથા ૩૧૮ : ગાથાર્થ :- “નિર્વેદપ્રાપ્ત (વૈરાગ્યને પામેલા) જ્ઞાની મીઠા-કડવા (સુખદુઃખરૂપ) બહુવિધ કર્મફળને જાણે છે. તેથી તે અવેદક છે.” અર્થાત્ તેને કર્મ-નોકર્મ અને તેના આશ્રયથી થવાવાળા ભાવોમાં “હુંપણું નહિ હોવાથી અર્થાત્ તે ભાવોથી પોતાને ભિન્ન અનુભવતો હોવાથી તે વિશેષ ભાવોને અર્થાત્ સુખદુ:ખને જાણે છે છતાં અવેદક છે.
શ્લોક ૨૦૫:- “આ અહંત મતના અનુયાયીઓ અર્થાત્ જૈનો પણ આત્માને, સાંખ્યમતીઓની જેમ, (સર્વથા) અકર્તા ન માનો; ભેદજ્ઞાન થયાં પહેલાં તેને (અર્થાત્ મિથ્યાદષ્ટિને) નિરન્તર કર્તા માનો, અને ભેદશાન થયા પછી (અર્થાત્ સમ્યગ્દષ્ટિને) ઉદ્ધત જ્ઞાનધામમાં નિશ્ચિત એવા (અર્થાત્ માત્ર સામાન્ય જ્ઞાનમાં સ્થિત એવા) આ સ્વયં પ્રત્યક્ષ આત્માને કર્તાપણા વિનાનો, અચળ, એક પરમ જ્ઞાતા જ દેખો.” અર્થાત્ જ્ઞાન સામાન્યરૂપ શુદ્ધાત્મા માત્ર જ્ઞાતા જ છે, તે સામાન્ય ભાવ પરમ અકર્તા છે, પરંતુ જેને તે ભાવનો અનુભવ નથી એવો અજ્ઞાની જે પોતાને અકર્તા માને તો તે એકાંત પાખંડમતરૂપ સાંખ્યમતી જેવો