________________
સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
૧૮૩
તત્ત્વોરૂપ અલગ અલગ વેશે પરિણમીને અને પરમાં કર્તાભાવને પોષીને છેતરાય છે, તે છેતરામણને છતી કરીને, તે છેતરામણ દૂર કરાવવા માટે ઘણાં વિસ્તારથી, સર્વે ભાવો સાથે ભેદજ્ઞાન કરાવેલ છે. કોઈએ એમ ન સમજવું કે નવ તત્વરૂપ ભાવો એકાંતે જીવના નથી અર્થાત્ આ નવ તત્ત્વરૂપ ભાવો છે તો જીવના જ પરંતુ તેમાં હુંપણું કરવા લાયક આ ભાવો નથી, તે અપેક્ષાએ તેને જીવના નથી એમ કહ્યું છે અને તેને તે રીતે જ સમજવું અતિ આવશ્યક છે; જો કોઈ એકાંતે એમ કહે કે આ નવ તત્ત્વોરૂપ ભાવો મારા ભાવ જ નથી, તો તે ભ્રમરૂપ પરિણમીને અનંત સંસાર વધારનાર બનશે. તેથી કરી જે અપેક્ષાએ જ્યાં જે કહ્યું હોય તે જ અપેક્ષાથી ત્યાં તે સમજવું અને તેમ જ આચરવું અત્યંત આવશ્યક છે, અન્યથા તો સ્વચ્છેદે ભ્રમરૂપ પરિણમીને પોતાને જ્ઞાની માનતો તે જીવ પોતાનું અને અન્ય અનેકનું અહિત કરતો, પોતે તો ભ્રષ્ટ છે જ અને અન્ય અનેકોને પણ ભ્રષ્ટ કરશે.