________________
સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
ગાથા ૩ : ગાથાર્થ :- ‘“એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે સમય છે (અર્થાત્ જેણે માત્ર શુદ્ધાત્મામાં જ ‘હુંપણું’ કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે, તેવો આત્મા) તે લોકમાં બધેય સુંદર છે (અર્થાત્ તેવો જીવ ભલે નરકમાં હોય કે સ્વર્ગમાં હોય અર્થાત્ દુ:ખમાં હોય કે સુખમાં હોય, પરંતુ તે સુંદર અર્થાત્ સ્વમાં સ્થિત છે) તેથી એકત્વમાં બીજાની સાથે બંધની કથા (અર્થાત્ બંધરૂપ વિભાવભાવોમાં ‘હુંપણું’ કરતાં જ મિથ્યાત્વનો ઉદય થવાથી) વિસંવાદ-વિરોધ કરનારી (અર્થાત્ સંસારમા અનંત દુ:ખરૂપ ફળ દેવાવાળી) છે.’' અને બીજું, જે આત્મદ્રવ્ય અન્ય કર્મ-નોકર્મરૂપ પુદ્ગલ દ્રવ્યની સાથે બંધાઈને રહેલ છે તેમાં વિસંવાદ છે અર્થાત્ દુઃખ છે, જ્યારે તે જ આત્મદ્રવ્ય તે પુદ્ગલ દ્રવ્યની સાથેના બંધનથી મુક્ત થાય છે ત્યારે તે સુંદર છે અર્થાત્ અવ્યાબાધ સુખી છે.
ગાથા ૪ : ગાથાર્થ :- ‘‘સર્વ લોકને કામભોગસંબંધી બંધની કથા તો સાંભળવામાં આવી ગઈ છે
(અર્થાત્ સંસારીજન તેમાં તો ખૂબ જ હોશિયાર હોય જ છે), પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે (અર્થાત્ બીજાને તેમ કરતાં જોયા છે અને પોતે પણ તે રૂપ પરિણમી અનુભવ કરેલ છે) તેથી સુલભ છે (અર્થાત્ તે તેને બરોબર સમજે છે ને તેને જ એકમાત્ર જીવનના લક્ષરૂપ માનીને, તેની પાછળ જ દોડે છે); પણ ભિન્ન આત્માનું (અર્થાત્ ભેદજ્ઞાને કરી પ્રાપ્ત ‘‘શુદ્ધાત્મા’’નું) એકપણું હોવું કદી સાંભળ્યું નથી (અર્થાત્ તેમાં જ ‘હુંપણું’ = એકત્વ કરવા યોગ્ય છે તેવું કદી સાંભળ્યું જ નથી), પરિચયમાં આવ્યું નથી (અર્થાત્ વાતમાં અથવા વાંચવામાં અથવા ઉપદેશમાં આવ્યું નથી), અને અનુભવમાં આવ્યું નથી (તેથી તેને અનુભવ્યું પણ નથી અર્થાત્ સ્વાત્માનુભૂતિ પણ નથી) તેથી એક તે સુલભ નથી.’’
૧૬૭
પાંચ ઇન્દ્રિયોના જે વિષય છે તેમાંથી શબ્દ અને રૂપને કામ કહેવાય છે તથા ગંધ, રસ અને સ્પર્શને ભોગ કહેવાય છે. પાંચે મળીને કામ-ભોગ કહેવાય છે કે જેના વિશે મોટા ભાગના લોકોને રસ
હોવાથી (કે જેમાં રસ રાખવા જેવો નથી) તેની કથા સુલભ છે; પરંતુ આ કાળે શુદ્ધાત્માની વાત અતિ દુર્લભ છે કે જે અમે અત્રે (સમયસારમાં) જણાવવાના છીએ, એવો ભાવ છે આચાર્ય ભગવંતનો આ ગાથામાં. વર્તમાનમાં પ્રાયઃ આ શાસ્ત્રમાંથી લોકોએ એકાંત જ લીધું છે એવું જણાય છે, આચાર્ય ભગવાને તેથી જ તમામને ચેતવણી આપી છે કે અમે અહીંયા જે વાતને, જે કારણે પ્રસ્તુત કરીએ છીએ; તે વાતને, તેવા જ અર્થમાં અને એ જ પરિપ્રેક્ષ્યમાં ગ્રહણ કરજો, નહીં તો આ શાસ્ત્ર આપના માટે અનંત સંસારનું કારણ પણ બની શકે છે.
ગાથા ૫ : ગાથાર્થ :- ‘‘તે એકત્વવિભક્ત (અર્થાત્ અભેદરૂપ અને ભેદરૂપ) આત્માને હું આત્માના નિજ વૈભવ વડે દેખાડું છું (અર્થાત્ જણાવું છું), જો હું દેખાડું તો પ્રમાણ (સ્વીકાર) કરવું અને જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો છળ (અર્થાત્ ઊલટું-વિપરીત-નુકસાનકારક) ન ગ્રહણ કરવું.’’ અર્થાત્ આ શાસ્ત્રથી સ્વચ્છંદ ગ્રહણ કરીને તમે છેતરાઈ જાઓ તેવું ન કરતાં; કારણ કે તે સ્વચ્છંદ અનંત સંસારનું કારણ છે,