________________
સમ્યગ્દર્શન
સમ્યગ્દર્શન એ મોક્ષમાર્ગનો દરવાજો છે. અર્થાત્ નિશ્ચય સમ્યગ્દર્શન વગર મોક્ષમાર્ગમાં પ્રવેશ જ થતો નથી, અને મોક્ષમાર્ગમાં પ્રવેશ વગર અવ્યાબાધ સુખનો માર્ગ પણ સાધ્ય થતો નથી. અર્થાત્ મોક્ષમાર્ગમાં પ્રવેશ અને પછીના પુરુષાર્થથી જ સિદ્ધત્વ રૂપે માર્ગ ફળ મળે છે અન્યથા નહિ. સમ્યગ્દર્શન વગર ભવકટી પણ થતી નથી, કારણ કે સમ્યગ્દર્શન થયા પછી જ જીવ અર્ધપુદ્ગલ પરાવર્તન કાળથી અધિક સંસારમાં રહેતો નથી તે અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં જરૂર સિદ્ધત્વને પામે જ છે કે જે સત્-ચિત્આનંદસ્વરૂપ શાશ્વત છે. તેથી સમજાય છે કે આ માનવભવમાં જો કાંઈ પણ કરવા જેવું હોય તો તે એક માત્ર નિશ્ચય સમ્યગ્દર્શન જ પ્રથમમાં પ્રથમ પ્રાપ્ત કરવા જેવું છે કે જેથી કરીને પોતાને મોક્ષમાર્ગમાં પ્રવેશ મળે અને પુરુષાર્થ ફોરવતાં આગળ સિદ્ધપદની પ્રાપ્તિ થાય.
અત્રે એ સમજવું આવશ્યક છે કે જે સાચા દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે શ્રદ્ધારૂપ અથવા તો નવ તત્ત્વની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન છે, તે તો માત્ર વ્યવહારિક ઉપચારરૂ૫) સમ્યગ્દર્શન પણ હોઈ શકે છે કે જે મોક્ષમાર્ગના પ્રવેશ માટે કાર્યકારી ગણાતું નથી, કારણ કે નિશ્ચયનયના મતે જે એકને અર્થાત્ આત્માને જાણે છે તે જ સર્વને અર્થાત્ સાત/નવ તત્ત્વોને અને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને જાણે છે. કારણ કે એક આત્માને જાણતાં જ તે જીવ સાચા દેવ તત્વનો અંશ અનુભવ કરે છે અને તેથી તે સાચા દેવને અંતરથી ઓળખે છે, અને તેમ સાચા દેવને જાણતાં જ અર્થાત્ શ્રદ્ધા થતાં જ તે જીવ તેવા દેવ બનવાના માર્ગે ચાલતા સાચા ગુરુને પણ અંતરથી ઓળખે છે અને સાથે સાથે તે જીવ તેવા દેવ બનવાનો માર્ગ બતાવતા સાચા શાસ્ત્રને પણ ઓળખે છે. આ રીતે સ્વાનુભૂતિ (સ્વની અનુભૂતિ) સહિતનું સમ્યગ્દર્શન અર્થાત્ ભેદજ્ઞાન સહિતનું સમ્યગ્દર્શન જ નિશ્ચય સમ્યગ્દર્શન કહેવાય છે અને તેના વગર મોક્ષમાર્ગમાં પ્રવેશ પણ શક્ય નથી, તેથી કરીને અત્રે જણાવેલ સમ્યગ્દર્શન તે નિશ્ચય સમ્યગ્દર્શન જ સમજવું.
જૈનસમાજમાં સમ્યગ્દર્શન પર ઘણું બધું લખવામાં આવ્યું છે, પરંતુ નિશ્ચય સમ્યગ્દર્શનના દુર્લભપણાને લીધે, તેની અનુભવસિદ્ધ રીત (સાધ્ય કરવાની રીત) ઓછી જોવામાં આવે છે. સમ્યગ્દર્શન માટે અમે અનેક સંપ્રદાયોમાં અનેક મુમુક્ષુ જીવોને ગંભીરતાથી પ્રયાસ કરતા જોયા છે. પરંતુ તેઓને ઉપયુક્ત