________________
૧૩૮
સમ્યગ્દર્શનની રીત
વિના) તેને જ (અર્થાત્ તેને જ માત્ર શબ્દરૂપે ગ્રહણ કરીને) નિશ્ચય શ્રદ્ધાથી અંગીકાર કરે છે. તે મૂર્ખ બાહ્ય ક્રિયામાં આળસુ છે અને બાહ્યક્રિયારૂપ આચરણનો નાશ કરે છે.”
ઘણાં સાધકોને પ્રશ્ન થાય છે કે અમને તત્ત્વના અભ્યાસ છતાં આત્માનો અનુભવ કેમ થતો નથી ? અર્થાત્ સમ્યગ્દર્શન કેમ થતું નથી ? તેઓને અમારો ઉત્તર છે કે, જેમ યોગ્ય કારણ આપ્યા વગર કોઈ પણ કાર્ય થતું નથી તેમ વૈરાગ્ય આવ્યા વગર અર્થાત્ ભવરોગથી ત્રાસ લાગ્યા વગર, સુખની આકાંક્ષા છોડ્યા વગર, કોઈ પણ નયનો પક્ષ અથવા સાંપ્રદાયિક માન્યતાનો આગ્રહ છોડ્યા વગર અને તત્ત્વને વિપરીત રૂપે ગ્રહણ કરીને સ્વાત્માનુભૂતિ અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત થવું અતિ વિકટ છે; તેથી સર્વે સાધકોને અમારી વિનંતિ છે કે આપ યોગ્ય કારણ આપો અર્થાત્ વૈરાગ્યરૂપ યોગ્યતા કેળવો અને પક્ષ-આગ્રહ છોડીને તત્ત્વનો યથાર્થ નિર્ણય કરશો, તો સમ્યગ્દર્શનરૂપ કાર્ય અવશ્ય થશે જ એવો અમારો અભિપ્રાય છે.
બીજું, ઘણાં સાધકોનો પ્રશ્ન હોય છે કે તમને આત્માનો અનુભવ થયો ત્યારે શું થયેલ ? અર્થાત્ આત્માના અનુભવ કાળે શું થાય ? તેઓને અમારો ઉત્તર છે કે, સ્વાત્માનુભૂતિ કાળે શરીરથી ભિન્ન એવો સિદ્ધસદશ આત્માનો અનુભવ થાય, જેમાં શરીરના કોઈ પણ જાતનો અનુભવ ન હોય. જેમ કે ઘણાં સાધકો અમને પ્રશ્ન કરતાં હોય છે કે અમને પ્રકાશમય આત્માનો અનુભવ થયો અથવા કોઈ કહે છે કે અમે એકદમ હળવાફૂલ જેવાં થઈ ગયાં હોઈએ તેવો અનુભવ થયો અથવા કોઈ કહે છે કે અમે રોમાંચિત થઈ ગયા, વગેરે. તો આવા સાધકોને અમે જણાવીએ છીએ કે, આવા ભ્રમોથી છેતરાવા જેવું નથી; કારણ કે સ્વાત્માનુભૂતિ કાળે શરીરનો કોઈ પણ જાતનો અનુભવ હોતો જ નથી માત્ર સિદ્ધસદશ આત્માનો જ અનુભવ હોય છે અર્થાત્ અંશે સિદ્ધસદશ આનંદનો અનુભવ હોય છે અર્થાત્ અંશે સિદ્ધત્વનો જ અનુભવ હોય છે અને પછી આત્મા બાબત કોઈ પણ પ્રશ્ન રહેતો જ નથી એટલો સ્પષ્ટ અનુભવ હોય છે. અર્થાત્ સ્વાત્માનુભૂતિ બાદ શરીરથી ભેદજ્ઞાન વર્તતું હોય છે, દા.ત. સ્વાત્માનુભૂતિ બાદ આપ દર્પણની સામે જ્યારે પણ જાઓ ત્યારે આપ કોઈ ત્રાહિત વ્યક્તિને નિહાળતા હો એવો ભાવ આવે છે.
કોઈને એમ પણ પ્રશ્ન થાય છે કે, આપના ગુરુ કોણ છે ? ઉત્તર : અમારા ગુરુ ભગવાન મહાવીરસ્વામી છે, જેમની દિવ્યધ્વનિ અમને શાસ્ત્રરૂપે પ્રાપ્ત થઈ, તેનાથી અમને સત્યની પ્રાપ્તિ થઈ અર્થાત સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું. એના સિવાય અમે બીજા અનેક લોકો પાસેથી થોડી થોડી વાતો અવશ્ય શીખ્યા છીએ, તેમના પણ અમે આભારી છીએ.
સમ્યગ્દર્શનને પામ્યા બાદ, પ્રવચનસાર ગાથા ૨૦૨ અનુસાર, સમ્યગ્દષ્ટિ જીવનો વિકાસક્રમ આવો હોય છે - “સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જાણે છે - અનુભવે છે, અન્ય સમસ્ત વ્યવહારભાવોથી પોતાને ભિન્ન જાણે છે. જ્યારથી તેને સ્વ-પરના વિવેકરૂપ ભેદવિજ્ઞાન પ્રગટ થયું હતું ત્યારથી જ તે સકલ વિભાવભાવોનો ત્યાગ કરી ચૂક્યો છે અને ત્યારથી જ એણે ટંકોત્કીર્ણ નિજભાવ