________________
૧૩૬
સમ્યગ્દર્શનની રીત
છે અને જે તે પ્રયત્નપૂર્વક આત્મલક્ષે શુભમાં નહીં રહે, તો નિયમથી અશુભમાં જ રહેશે કે જેનું ફળ નરકગતિ તથા અનંત કાળની તિર્યંચગતિ છે; જ્યારે એકમાત્ર આત્મલક્ષે જે જીવ શુભમાં પ્રયત્નપૂર્વક રહે છે, તેને મનુષ્યગતિ, દેવ, શાસ્ત્ર, ગુરુ તથા કેવળી પ્રરૂપિત જિનધર્મ વગેરે મળવાની સંભાવનાઓ ઊભી રહે છે અને તેના કલ્યાણના દરવાજા ખુલ્લા રહે છે અને તેથી જ અર્થાત્ તે જ અપેક્ષાએ અમે આત્મલક્ષે શુભમાં રહેવા કહીએ છીએ. પરંતુ તેમાં એકમાત્ર લક્ષ આત્મપ્રાપ્તિ જ હોવું જોઈએ, અન્યથા શુભભાવ પણ અશુભભાવની જેમ જ જીવને બાંધે છે અને અનંત સંસારમાં રખડાવે છે, અનંત દુઃખોનું કારણ બને છે.
કોઈ એમ માને કે મુમુક્ષુ જીવને યોગ્યતા પોતાને એના કાળે થઈ જશે, તેના માટે પ્રયત્નની જરૂર નથી; તો તેઓને અમે પ્રશ્ન કરીએ છીએ કે આપ જીવનમાં પૈસો, પ્રતિષ્ઠા, પરિવાર વગેરે માટે પ્રયત્ન કરો છો? કે પછી આપ કહો છો કે તે એના કાળે આવી જશે, બોલો આવી જશે? તો ઉત્તર અપેક્ષિત જ મળે છે કે અમો તેના માટે પ્રયત્ન કરીએ છીએ. તો અમે પ્રશ્ન કરીએ છીએ કે જે વસ્તુ અથવા સંયોગો કર્મો અનુસાર આપમેળે આવીને મળવાના છે તેના માટે આપ ખૂબ જ પ્રયત્ન કરો છો, પરંતુ જે આત્માના ઘરનો છે એવો પુરુષાર્થ અર્થાત્ પ્રયત્નપૂર્વક આત્માના ઉદ્ધાર માટે ઉપર જણાવેલ તથા અન્ય આચરણો જીવનમાં કરવામાં ઉપેક્ષા સેવો છો, તો આપ જૈન સિદ્ધાંતની અપેક્ષા ન સમજતાં તેને અન્યથા જ સમજ્યા છો એવું જ કહેવું પડશે. કારણ કે જૈન સિદ્ધાંત અનુસાર કોઈ પણ કાર્ય થવા માટે પાંચ સમવાયનું હોવું આવશ્યક છે અને તેમાં આત્મસ્વભાવમાં પુરુષાર્થ એ ઉપાદાન કારણ હોઈને જે આપ તેની અવગણના કરી માત્ર નિમિત્તની રાહ જોતાં બેસી રહેશો અથવા નિયતિ સામે જોઈ બેસી રહેશો તો આત્મપ્રાપ્તિ થવી અત્યંત કઠિન છે. તેથી કરીને મુમુક્ષુ જીવે પોતાનો પુરુષાર્થ અધિકમાં અધિક આત્મધર્મ ક્ષેત્રે પ્રવર્તાવવો આવશ્યક છે અને થોડોક (અલ્પ) જ કાળ જીવનની જરૂરિયાતોને અજીત કરવામાં નાંખવો તે પ્રથમ આવશ્યકતા છે.
જેમ આત્માનુશાસન ગાથા ૭૮માં જણાવેલ છે કે, “હે જીવ! આત્મકલ્યાણને અર્થે કંઈક યત્ન કર ! કર ! કેમ શઠ થઈ પ્રમાદી બની રહે છે? જ્યારે એ કાળ પોતાની તીવ્ર ગતિથી આવી પહોંચશે, ત્યારે યત્ન કરવા છતાં પણ તે રોકાશે નહીં એમ તું નિશ્ચય સમજ. ક્યારે, ક્યાંથી અને કેવી રીતે એ કાળ અચાનક આવી ચડશે, તેની પણ કોઈને ખબર નથી. એ દુષ્ટ યમરાજ જીવને કાંઈ પણ સૂચના પહોંચાડ્યા સિવાય એકાએક હુમલો કરે છે તેનો કંઈક તો ખ્યાલ કર. કાળની અપ્રહત અરોક ગતિ આગળ મંત્ર-તંત્ર અને ઔષધાદિ સર્વ સાધન વ્યર્થ છે.” અર્થાત્ આત્મકલ્યાણને અર્થે જ સર્વ પુરુષાર્થ આદરવો.
આગળ આત્માનુશાસન ગાથા ૧૯૬માં પણ જણાવેલ છે કે, “અહો! જગતમાં મૂર્ખ જીવોને શું મુશ્કેલ છે? તેઓ જે અનર્થ કરે તેનું આશ્ચર્ય નથી, પણ ન કરે તે જ ખરેખર આશ્ચર્ય છે. શરીરને પ્રતિદિન પોષે છે, સાથે સાથે વિષયોને પણ તેઓ સેવે છે. તે મુર્ખ જીવોને કાંઈ પણ વિવેક નથી કે વિષપાન કરી અમરત્વ ઈચ્છે છે ! સુખ વાંછે છે ! અવિવેકી જીવોને કાંઈ પણ વિવેક કે પાપનો ભય નથી. તેમ વિચાર પણ નથી........”