________________
ધ્યાન વિશે
૧૩૩
આર્તધ્યાન અને રૌદ્રધ્યાન નામના બે અશુભ ધ્યાન સહજ જ હોય છે; કારણ કે તેવાં જ ધ્યાનનાં, તેઓને અનાદિના સંસ્કાર છે; છતાં તે પ્રયત્નપૂર્વક મનને અશુભમાં જતું અટકાવી શકે છે. તે મનને અશુભમાં જતું અટકાવવાની આવી રીતો છે. જેમ કે આત્મલક્ષે શાસ્ત્રોનો અભ્યાસ, આત્મસ્વરૂપનું ચિંતન, છ દ્રવ્યોરૂપ લોકનું ચિંતન, નવ તત્ત્વોનું ચિંતન, ભગવાનની આજ્ઞાનું ચિંતન, કર્મવિપાકનું ચિંતન, કર્મની વિચિત્રતાનું ચિંતન, લોકના સ્વરૂપનું ચિંતન વગેરે તે કરી શકે છે. આવું મિથ્યાત્વી જીવોનું ધ્યાન પણ શુભરૂપ ધર્મધ્યાન કહેવાય છે, નહિ કે શુદ્ધરૂપ ધર્મધ્યાન. તેથી તેને અપૂર્વ નિર્જરાનું કારણ માન્યું નથી, કારણ કે અપૂર્વ નિર્જરા માટે તે ધ્યાન સમ્યગ્દર્શન સહિત હોવું આવશ્યક છે અર્થાત્ શુદ્ધરૂપ ધર્મધ્યાન હોવું આવશ્યક છે. સમ્યગ્દષ્ટિને આ ઉપરાંત શુદ્ધાત્માનું ધ્યાન મુખ્ય હોય છે કે જેથી કરી તે ગુણશ્રેણી નિર્જરા દ્વારા ગુણસ્થાનક આરોહણ કરતાં કરતાં આગળ શુક્લધ્યાનરૂપ અગ્નિથી સર્વ ઘાતી કર્મોનો નાશ કરી, કેવલજ્ઞાન - કેવલદર્શન પ્રાપ્ત કરે છે અને કાળે કરી સિદ્ધત્વને પામે છે.
ધર્મધ્યાનના પેટાપ્રકારોરૂપ તમામ ધ્યાનના પ્રકારમાં આત્મા જ કેન્દ્રમાં છે જેથી કરીને કોઈ પણ સમ્મધ્યાન તેને જ કહેવાય કે જેમાં આત્મા જ કેન્દ્રમાં હોય અને આત્મપ્રાપ્તિ જ તેનું લક્ષ હોય. ઘણાં એવું માને છે કે આત્મજ્ઞાન અર્થાત્ સમ્યગ્દર્શન પ્લાન વગર થતું જ નથી, તો તેઓને અમે કહીએ છીએ કે ખરેખર સમ્યગ્દર્શન ભેદજ્ઞાન વગર થતું જ નથી, ધ્યાન વગર તો થાય છે. તેથી સમ્યગ્દર્શન માટેની આવશ્યકતા તે ધ્યાન નથી પરંતુ શાસ્ત્રોથી સારી રીતે નિર્ણય કરેલ તત્ત્વનું જ્ઞાન અને સમ્યગ્દર્શનના વિષયનું જ્ઞાન અને તે જ્ઞાન થયા બાદ યથાર્થ ભેદજ્ઞાન થતાં જ પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્મામાં હુંપણું થતાં (‘સોહં થતાં) જ સ્વાત્માનુભૂતિપૂર્વક સમ્યગ્દર્શન પ્રગટે છે; તેથી આગ્રહ ધ્યાનનો નહિ પરંતુ યથાર્થ તત્ત્વનિર્ણયનો અને યોગ્યતાનો રાખવો આવશ્યક છે અને તે જ કરવા યોગ્ય છે.
મોક્ષપાહુડમાં પણ ધ્યાન વિશે જણાવ્યું છે કે :
ગાથા ૨૦ : અર્થ :- “યોગી-ધ્યાની-મુનિ છે, તે જિનવર ભગવાનના મત મુજબ શુદ્ધાત્માના ધ્યાનમાં લાગે છે (અર્થાત્ એકમાત્ર શુદ્ધાત્માનું જ ધ્યાન કરવા યોગ્ય છે, તે જ ઉત્તમ છે અને તેના ધ્યાનના કારણે જ યોગી કહેવાય છે), તેથી નિર્વાણને પ્રાપ્ત કરે છે, તો તે શું સ્વર્ગલોકને પ્રાપ્ત ન કરી શકે ? અવશ્ય પ્રાપ્ત કરી શકે.”
અર્થાત્ અનેક લોકો સ્વર્ગની પ્રાપ્તિ માટે નાના (અનેક) પ્રકારના અનેક ઉપાયો કરતા જોવામાં આવે છે, તો એ ઉપાયોથી કદાચિત ક્ષણિક સ્વર્ગ પ્રાપ્ત થાય અથવા ન પણ થાય, પરંતુ પરંપરાએ તો તેને અનંત સંસાર જ મળે છે; જ્યારે શુદ્ધાત્માનો અનુભવ અને ધ્યાનથી મુક્તિ મળે છે અને મુક્તિ ન મળે ત્યાં સુધી સ્વર્ગ અને સ્વર્ગ જેવું જ સુખ હોય છે. તેથી સર્વે જનોએ શુદ્ધાત્માનું જ ધ્યાન કરવા યોગ્ય છે કે જે મુક્તિનો માર્ગ છે અને તે માર્ગમાં સ્વર્ગ તો સહજ જ મળે છે, તેની માગણી નથી હોતી એમ જણાવ્યું છે.