________________
૧૧૬
સમ્યગ્દર્શનની રીત
અનાદિથી આપણે પ્રશંસાપ્રિય છીએ. જે કોઈ આપણી નિંદા કરે તો આપણને તકલીફ થાય છે, પરંતુ આપણે એ સમજવાનું છે કે નિંદા-પ્રશંસા, સુખ-દુ:ખ, રતિ-અરતિ, અમીરી-ગરીબી, વગેરે બધાં જ સંયોગ કર્મને આધીન હોય છે; આપણી ઇચ્છાથી કે અનિચ્છાથી તેમાં કોઈ ફરક પડવાનો નથી, પરંતુ આપણે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના શિકાર અવશ્ય બનીશું. અનાદિથી આપણને સત્ય ધર્મની પ્રાપ્તિ અતિ દુર્લભ બની રહેલ છે, જ્યારે પણ આપણને સત્ય ધર્મની પ્રાપ્તિ થઈ છે ત્યારે પણ આપણે એને ઓળખી શક્યા નથી અને જે ઓળખો પણ હોય તો આપણે એના પર શ્રદ્ધાન કરી શક્યા નથી. અનાદિથી આપણે સત્ય ધર્મના નામે કોઈ ને કોઈ સંપ્રદાય, પક્ષ, આગ્રહ કે કોઈ વ્યક્તિ પ્રત્યે રાગમાં જ ફસાઈને રહ્યા છીએ. એને જ સત્ય ધર્મ માનીને પોતાનો અનંત કાળ ગુમાવ્યો છે અને અનંત દુઃખો સહન કર્યા છે. સત્ય ધર્મ પામવા માટે સાચું એ જ મારું અને સારું એ મારું આ ભાવ ભાવવો આવશ્યક છે. સત્ય ધર્મ પામવા માટે જીવ સત્યનો સ્વીકાર કરવા તત્પર હોવો જોઈએ (Ready to Accept) અને તેના અનુસારે જીવ પોતાને બદલવા માટે પણ તત્પર હોવો જોઈએ (Ready to Change) , નહીં તો તે સત્ય ધર્મ પામી શકતો નથી. સત્ય ધર્મ જ્ઞાનીના અંતરમાં વસે છે, તેને બહાર શોધવાથી મળવાનો નથી. સત્ય ધર્મ જ્ઞાનીનાં સાંનિધ્યમાં જ મળશે, કારણ કે જ્ઞાની જ જીવને આત્માની ઓળખ સરળતાથી કરાવી શકે છે. એટલે સત્ય ધર્મને કોઈ બહારના ક્રિયાકાંડ અથવા વ્રત વગેરેમાં ન માનીને, એને આગળ કહ્યા અનુસાર પોતાના અંતરમાં ખોજવાનો છે અર્થાત્ પોતાના અંતરમાં પ્રગટ કરવાનો છે. જે મોક્ષમાર્ગ જાણે છે, તે જ તેને બતાવી શકે છે. કારણ કે મોક્ષમાર્ગ સંસારમાં ડૂબેલા જીવોને માટે અતિ ગહન અને અગમ્ય છે, પરંતુ પુરુષના (જ્ઞાનીના) માધ્યમથી સુલભ છે. સત્ય ધર્મની યોગ્યતા કરવા માટે :- નીતિ-ન્યાયપૂર્વક અર્થોપાર્જન, પ્રાપ્તમાં સંતોષ, ઓછામાં ઓછો સમય અર્થોપાર્જનમાં આપવો, વધુમાં વધુ સમય સ્વાધ્યાય-મનન-ચિંતન વગેરેમાં લગાવવો, સાત્ત્વિક ભોજન, કંદમૂળ-અનંતકાયનો ત્યાગ, જીવદયાનું પાલન, રાત્રિભોજનનો ત્યાગ, અભક્ષ્યનો ત્યાગ, શરીરની ઓછામાં ઓછી સજાવટ, સાદું જીવન, સુખશીલતાનો ત્યાગ, વધુ પડતા ક્રોધમાન-માયા-લોભનો ત્યાગ, જૂનાં પાપોનું પ્રાયશ્ચિત્ત, બાર ભાવનાનું ચિંતન, તમામ જીવો પ્રત્યે ચાર ભાવના, પંચપરમેષ્ઠી ભગવંતોના ગુણોનો અહોભાવ, તમામ જીવો પ્રત્યે ગુણદષ્ટિ, વગેરે આવશ્યક છે. સત્ય ધર્મ એટલો સામર્થ્યવાળો છે કે એની સાચી શ્રદ્ધા થવા માત્રથી જ, તે જીવમાં આપોઆપ સત્ય ધર્મને અનુકૂળ બદલાવ આવવા લાગે છે.