________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૦૩
શરીરોને રોગગ્રસ્ત થતાં જોઈએ છીએ, કેટલાય પરિવારોને વિખેરાતાં જોઈએ છીએ, કેટલાય ધનવાનોને રંક થતાં પણ જોઈએ છીએ; છતાં આપણે એવી રીતે જીવીએ છીએ કે જાણે આપણે મરવાના જ નથી અને આપણે પોતાને રૂપથી, ધન-વૈભવથી, પરિવારથી મોટા માનીને માનકષાય પોષતા રહીએ છીએ. આપણને ખબર નથી કે આપણું આયુષ્ય ક્યારે પૂરું થઈ જશે, આપણને ખબર નથી કે આપણને બીમારી ક્યારે આવી જશે, આપણને ખબર નથી કે આપણું રૂપ ક્યારે સમાપ્ત થઇ જશે. એ પણ ખબર નથી કે ક્યારે કોઈ આપણું હાડકું તૂટી જશે, એ પણ ખબર નથી કે આપણો ક્યારે અકસ્માત થઈ જશે, એ પણ ખબર નથી કે આપણા પરિવારનો પ્રેમ ક્યારે દુશ્મનાવટમાં ફેરવાઈ જશે, એ પણ ખબર નથી કે ક્યારે ખુશી દુઃખમાં પલટાઈ જશે; છતાં પણ આ બધી વસ્તુઓ ઉપર અહંકાર-ગુમાન કરીને આપણે આપણું પરમ અહિત કરીએ છીએ. અધિકતમ જીવો યૌવન અવસ્થાને વિષય અને કષાયોની પાછળ બરબાદ કરતાં જણાય છે, પ્રૌઢાવસ્થા સાંસારિક કાર્યોમાં પોતાની કુશળતા પ્રમાણિત (સાબિત) કરવામાં ખર્ચતા જણાય છે, ઘણાં લોકો પોતાની પ્રૌઢાવસ્થા સમાજમાં નામ કરવા પાછળ ગુમાવતાં જણાય છે; આ રીતે અનેક જીવો અનંતકાળ પછી મળેલો ધર્મ પ્રાપ્ત કરવાનો અવસર ગુમાવતા જણાય છે, અને આ બધા પાછળ ભાગતા ભાગતા બુઢાપો ક્યારે આપણા બારણે દસ્તક દેતો આવી જશે તે પણ તેઓને ખબર નહીં પડે. બુઢાપામાં પણ આવા જીવો આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરતા જણાય છે, કારણ કે બુઢાપામાં પણ માત્ર શરીર જ વૃદ્ધ થયું છે; મન તો સદા જવાન જ રહે છે અર્થાત્ મન બુઢાપામાં પણ વિષય-કષાયો પાછળ જ ભાગતું રહે છે. બુઢાપામાં પણ તમામ ઇચ્છાઓ જીવિત રહે છે – જેમની તેમ જ રહે છે, મનમાંથી કામભાવ હટતો નથી. આવી રીતે આપણે અનાદિથી આ સંસારમાં રખડીએ છીએ, હવે ક્યાં સુધી રખડવું છે ? સંસારમાં ક્યાંય પણ શાશ્વત સુખ નથી. આપણે અનંતી વાર દેવલોકના સુખ ભોગવીને આવ્યા છીએ, પરંતુ તે પણ એક દિવસ પૂરા થઇ જાય છે અને કેટલાય જીવો એ સુખોમાંથી, અનંતી વાર સીધા એકેન્દ્રિયમાં પણ જતાં રહે છે; જ્યાં દુ:ખ જ દુઃખ છે. અનેક વાર રાજા પણ બીજી જ ક્ષણે એકેન્દ્રિયમાં પણ ચાલ્યા જાય છે અને આમ પણ દરેક સાંસારિક સુખોનો અંત નિશ્ચિત જ છે, તો પછી એવા સુખ પાછળ પાગલ બનવું – મમત્વ કરવું ક્યાંની સમજદારી છે ? આ બધું ભાવભાસન ન હોવાના કારણે જ અનાદિથી એવા જીવો સંસારમાં રખડે છે.
તેથી એ નક્કી થાય છે કે આ પૂર્ણ જીવન એકમાત્ર આત્મપ્રાપ્તિની પાછળ ખર્ચ કરવા યોગ્ય છે, અર્થાત્ ત્વરાએ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને થોડા સમયમાં જ અમર બની જવું છે – સિદ્ધત્વ પામી જવું છે. એમ પણ ઉપર કહેલા સુખ (સુખાભાસ) પણ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે, માત્ર પુરુષાર્થથી નહીં. તેથી જો આપના પુણ્ય પ્રચુર હશે તો અલ્પ પુરુષાર્થથી પણ તે પોતાની મેળે જ પ્રાપ્ત થવાનું છે, તો પછી એની પાછળ ભાગવાની શું જરૂર છે ? તદ્ન જરૂર નથી અર્થાત્ આત્મપ્રાપ્તિ અર્થે કરેલા પુરુષાર્થથી, ન માગવા છતાં પણ જ્યાં સુધી મોક્ષ નથી મળતો ત્યાં સુધી સાંસારિક સુખ મફતમાં મળતા રહે છે. તેથી વધુમાં વધુ