________________
૧૦૦
સમ્યગ્દર્શનની રીત
અનુભવ કરતા હોવાથી) સાક્ષાત અમૃતને (અનુભૂતિરૂપ અતિન્દ્રિય આનંદને) પીએ છે. (અર્થાત્ અનુભવ કરે છે) અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે સર્વે લોકોએ નય અને પક્ષનો આગ્રહ છોડવા યોગ્ય છે.
આવી સમસ્યાઓની વચ્ચે જો કોઈ મુમુક્ષુ જીવ આવા ખોટા અર્થઘટન કરવાવાળામાં ફસાઈ ગયો તો તેનું સંપૂર્ણ જીવન નષ્ટ થઈ જાય છે અને તેનો અનંત કાળ અંધકારમય થઈ શકે છે. આવી વિટંબણા છે આ હુડાઅવસર્પિણી પંચમ કાળની, એટલે જ અમે કહ્યું છે કે “સત્ય ધર્મની પ્રાપ્તિ પ્રાય: જ્ઞાનીની પાસેથી જ સંભવ છે'. કેમ કે જ્ઞાનીને મત, પંથ, સંપ્રદાયનો પક્ષ, આગ્રહ, કદાગ્રહ, હઠાગ્રહ, દૂરાગ્રહ નથી હોતો અને આ જ કારણે જ્ઞાની આગમ અને શાસ્ત્રોનું યથાર્થ અર્થઘટન કરી શકે છે. જ્ઞાની જ સત્ય ધર્મના વૈદ્ય અથવા ડૉક્ટર છે કે જેઓ આપના આધ્યાત્મિક સ્તર પ્રમાણે આપના માટે ઉપયુક્ત સાધના બતાવી શકે છે. અન્યથા પોતે પોતાની રીતે કરેલી સાધના સ્વચ્છંદ કહેવાય છે, તેથી પણ એમ કહ્યું છે કે સત્ય ધર્મની પ્રાપ્તિ પ્રાયઃ જ્ઞાની પાસેથી જ સંભવ છે.
સત્ય ધર્મની પ્રાપ્તિ માટે સત્ય ધર્મની સાથે વૈરાગ્ય પણ આવશ્યક છે. હવે આગળ અમે વૈરાગ્યનું સ્વરૂપ સમજાવ્યું છે.
પ્રશ્ન : વૈરાગ્ય એટલે શું?
ઉત્તર : વૈરાગ્ય એટલે સંસારથી દષ્ટિ હટી જવી, સંસાર અસાર લાગવો. વૈરાગ્ય બે પ્રકારનો હોય છે – એક દુ:ખગર્ભિત અને બીજે જ્ઞાનગર્ભિત.
દુ:ખગર્ભિત વૈરાગ્ય સાંસારિક દુઃખોથી ત્રાસી જઈને, બીમારીને કારણે, કોઈ આધિ-વ્યાધિ કે ઉપાધિને કારણે, કોઈની સાથે મોહભંગ કે પ્રેમભંગના કારણે અથવા સ્વજનના મરણ પ્રસંગે આવે. આ વૈરાગ્ય નકારાત્મક હોય છે. આની પાછળ સંસારમાંથી માનેલું સુખ ન મળવું એ કારણ હોય છે. આવા દુ:ખગર્ભિત વૈરાગ્યથી પ્રેરિત થઈને જે ધર્મ કરે છે, તેઓને ઘણું કરીને સાંસારિક સુખની પ્રાપ્તિનો જ આશય હોય છે. તેથી તેઓ ધર્મનું ઉત્તમ ફળ એવું સમ્યગ્દર્શન અને મોક્ષથી વંચિત જ રહીને એકેન્દ્રિયમાં ચાલ્યા જાય છે, જેમાં તેઓ અનંત કાળ સુધી રહી શકે છે. અને ભગવાને એકેન્દ્રિયમાંથી નીકળવું એ ચિંતામણિરત્નની પ્રાપ્તિથી પણ અધિક દુર્લભ કહ્યું છે. પરંતુ જો આ દુઃખગર્ભિત વૈરાગ્ય કાળાંતરમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં ફેરવાઈ જાય તો તેવા દુઃખગર્ભિત વૈરાગ્યને પણ સારો કહી શકાય છે.
જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સંસાર અને સાંસારિક સુખોના સત્ય સ્વરૂપને સમજવાના કારણે આવે છે, તેને નિર્વેદ પણ કહેવાય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં એકમાત્ર લક્ષ્ય આત્મપ્રાપ્તિનું જ હોય છે, તેને સંવેગ પણ કહેવાય છે. તેથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ મોક્ષમાર્ગ માટે કાર્યકારી છે, ઉચિત છે, સરાહનીય છે. તાત્પર્ય એ છે કે તમામ મુમુક્ષુ જીવોએ આ જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિ અર્થે જ પુરુષાર્થ કરવો યોગ્ય છે.