________________
૧૭
જાગરણનું પર્વ
ચાલો, ભૌતિકતામાંથી આધ્યાત્મિકતા પ્રતિ ગતિ કરીએ. આ અધ્યાત્મ એટલે શું ? ભૌતિકતાની વિરોધી છે આધ્યાત્મિકતા. ભૌતિકતામાં આપણી ચેતના ભિન્ન ભિન્ન પદાર્થો સાથે જોડાય છે. જુદી જુદી વસ્તુઓ તરફ એને આકર્ષણ જાગે છે. એને માટે આસક્તિ ઊભી થાય છે અને આપણે એમ વિચારીએ છીએ કે આ પદાર્થ મારો પોતાનો છે. આ રીતે પદાર્થને વીંટળાઈને વ્યક્તિમાં ઇચ્છાઓ અને ઝંખનાઓ જાગે છે, એના પ્રત્યે મમત્વ પેદા થાય છે – આને ભૌતિકતા કહેવામાં આવે છે.
એનાથી વિરુદ્ધ આધ્યાત્મિકતામાં પદાર્થ અને આત્મા વચ્ચેનો ભેદ સ્પષ્ટ થાય છે. આત્મા છે ત્યાં પદાર્થ નથી અને પદાર્થ છે ત્યાં આત્મા નથી. એ બંને ભિન્ન છે એવું સ્પષ્ટપણે લાગે છે. આથી પદાર્થ પ્રત્યે અનાસક્તિ પેદા થાય છે. એને માટેની ઘેલછા, ઝંખના અને લાલસા સમાપ્ત થઈ જાય છે અને વ્યક્તિની ચેતના પોતાના સ્વરૂપમાં લીન થાય છે. એને ખ્યાલ આવે છે કે આત્મા અન્ય છે અને પુદ્ગલ અન્ય છે. આ ભેદવિજ્ઞાન સમજાતાં એ જાણે છે કે જ્યાં આત્મા છે ત્યાં માત્ર આત્મા જ છે, પદાર્થ હોતો નથી. આને અધ્યાત્મવાદ કહેવામાં આવે છે.
આસપાસનું સ્થળ વિશ્વ ત્યજીને સૂક્ષ્મ વિશ્વ ભણી ઉડ્ડયન કરીએ. આ ઉડ્ડયન કરનારા પંખીની એક પાંખ છે જાગૃતિ અને બીજી પાંખ છે વૈર્ય. વર્તમાન યુગમાં દુર્ભાગ્યે આ બંને ગુણોનો પ્રમાણમાં ઠીક ઠીક અભાવ દૃષ્ટિગોચર થાય છે. કોણ કેટલી જાગૃતિથી જીવે છે ! જીવનમાં પ્રતિક્ષણ જાગૃતિ રાખવી જોઈએ એવું સમાજનારાયે કેટલા હશે ? જોકે આને પરિણામે જ મૂછ, નિદ્રા અને અજાગ્રત અવસ્થામાં ઘણી વ્યક્તિઓ પોતાનું સમગ્ર જીવન સમાપ્ત કરી નાખતી હોય છે. જાગૃતિનો એક અર્થ થશે જાગરણ અને તેના બે પ્રકાર છે : એક વ્યાવહારિક જાગરણ અને બીજું પારમાર્થિક જાગરણ. વ્યાવહારિક જાગરણ સુખી જીવન જીવવા માટે આવશ્યક છે.
પરમનો સ્પર્શ ૮૭