________________
૧૬
કાચું સુખ ને સાચું સગપણ !
૮૨ પરમનો સ્પર્શ
વ્યવહારજીવનના આપણા સંબંધો સુખદાયી છે કે દુ:ખદાયી ? ક્ષણજીવી છે કે ચિરંજીવી ? વિષાદગ્રસ્ત છે કે ઉલ્લાસપૂર્ણ ? – એનો સ્વસ્થ ચિત્તે વિચાર કરીએ. દિવસોના દિવસો સુધી ખેતર ખેડીએ અને સારા પાકની આશા રાખીને જીવીએ, પરંતુ જો વાવેતર કરવામાં ધ્યાન ન રાખીએ તો શું થાય ? જીવનના સંબંધોમાં પણ સતત ભાવનાઓનું વાવેતર કરતા રહેવું જોઈએ. એક વાર કોઈ વ્યક્તિ સાથે સંબંધ બંધાયો એટલે પૂર્ણવિરામ આવી જતું નથી; બલ્ક એ તો અલ્પવિરામ હોય છે અને એવાં અનેક અલ્પવિરામ વટાવીએ, ત્યારે અંતે પૂર્ણવિરામ આવે છે.
વ્યક્તિ જેટલી સંબંધ બાંધવા આતુર હોય છે એટલી સંબંધ નિભાવવા અને વિકસાવવા માટે જાગૃત હોતી નથી, આથી આવા સંબંધો તત્કાળ બંધાય છે અને થોડા જ સમયમાં ગ્રીષ્મની બપોરે આકાશમાંનાં વાદળો વીખરાય એ રીતે વીખરાઈ જાય છે. આનું કારણ એ છે કે સંબંધ બંધાયા પછી એમાં જે સ્નેહ, સદ્ભાવ અને સમર્પણનું સતત સિંચન થવું જોઈએ તે થતું નથી.
કેટલીક વ્યક્તિઓ સંબંધ બાંધવામાં અતિ માહેર હોય છે. જ્યાં જાય, ત્યાં ગાઢ સંબંધ બાંધીને પાછી આવે છે. એ સંબંધ થોડો સમય ટકે છે, પરંતુ આવા સંબંધના સર્જનમાં સાવધાની રાખી ન હોય તો તે દુઃખદાયી પણ બને છે. કોઈ સજ્જન સાથે સંબંધ થયો હોય તો વ્યક્તિ જીવનમાં શુભ માર્ગે પ્રગતિ કરવા પ્રયત્ન કરે છે, પરંતુ જો કોઈ વ્યસની, દુષ્ટ કે દુર્ભાવવાળી વ્યક્તિ સાથે સંબંધ થાય તો ધીરે ધીરે એની દૂષિત અસર એ વ્યક્તિ પર પણ થતી હોય છે અને અન્ય વ્યક્તિનાં દુષ્ટ કાર્યોમાં ક્યારેક સંડોવણી પણ થઈ જાય છે.