________________
૮૦ પરમનો સ્પર્શ
અનિષ્ટોને સામે ચાલીને નિમંત્રણ આપે છે. અરે ! સાચો ભક્ત તો ભૌતિક રૂપે ઈશ્વરને પણ માગતો નથી, પણ ભાવના રૂપે એને ઇચ્છે છે. એ એને ભાવથી પૂજે છે. એની મૂર્તિની નહીં, એના ગુણોની ઉપાસના કરે છે અને એને આત્મસાત્ કરવા યત્ન કરે છે.
ભગવાન મહાવીરસ્વામીના પટ્ટશિષ્ય ગુરુ ગૌતમસ્વામી ભગવાન મહાવીરની આત્મિક પૂજા સાથે દેહપૂજા પણ કરતા હતા. ભગવાન મહાવીરે એમના જીવનકાળ દરમિયાન વારંવાર પોતાના પટ્ટશિષ્ય શ્રી ગૌતમસ્વામીને કહ્યું કે ‘નિરાલંબ બન. આલંબન માત્ર ત્યજી દે’ પરંતુ મહાવીર પ્રભુ પરની મમતા અને અનુરાગ દૃષ્ટિ ત્યજી શક્યા નહીં. પરિણામે મહાતપસ્વી અને મહાજ્ઞાની તેમ જ અનેક લબ્ધિઓના ધારક ગુરુ ગૌતમસ્વામીને
કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ નહીં. એમની પાસેથી બોધ પામનારી વ્યક્તિઓ છે કેવળજ્ઞાન પામી ગઈ, પણ તેમને કેવળજ્ઞાન ન થયું. ભગવાન મહાવીરના
અગિયાર ગણધરોમાંથી નવ ગણધરોએ કેવળજ્ઞાન પામીને મોક્ષપ્રાપ્તિ કરી હતી અને તેમના સર્વપ્રથમ શિષ્ય એવા ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નહોતું. જ્યાં થોડી પણ રાગદૃષ્ટિ હોય ત્યાં આત્મશુદ્ધિનું અમૃત પ્રગટે કઈ રીતે ? પરંતુ જેવો એમનો આ મોહ ચાલ્યો ગયો અને જ્ઞાનદશા લાધી, અને એમનો આત્મા નિર્મળ થયો કે તુરત તેઓ કેવળજ્ઞાન પામ્યા. આ હકીકત દર્શાવે છે કે ઈશ્વર સાથે ભૌતિક જોડાણની ભાવના પણ ન હોવી જોઈએ, કારણ કે ભૌતિક રૂપે રહેવાની ભાવના પણ સૂક્ષ્મ રીતે ભૌતિક ઇચ્છાને અનુસરતી હોય છે. ભક્તને એમ લાગે કે ભગવાનને હું જોયા જ કરું. એમને જોઈને મારી આંખો ઠારું, મારા ચિત્તને પ્રસન્ન રાખું, મારા કર્ણમાં હંમેશાં એમની વાણી ગુંજ્યા કરે. ધીરે ધીરે આ ઇચ્છાઓ રાગદશાનું સ્વરૂપ લે છે અને એના પરિણામે ભક્તનો આત્મિક પુરુષાર્થ ક્વચિત્ થોડોક મંદ પડે છે.
કોઈ ઐહિક કે દૈહિક ઇચ્છા એને પકડી લે છે અને પછી એ ઇચ્છાના સંતોષ ખાતર ભગવાનના ભૌતિક રૂપની સતત ઉપાસના કરે છે, પરંતુ ખરેખર તો એણે પ્રભુની પાસે રહેવાને બદલે પ્રભુમાં લીન થવાની ભાવના કેળવવી જોઈએ અને સમય જતાં પોતાના જીવનમાં એ ભાવો પ્રગટાવવા જોઈએ.
વર્તમાન સમયમાં પ્રભુભક્તિનું એક સ્વરૂપ એવું છે કે જેમાં ભક્ત ભગવાનને પુષ્પો, આભૂષણો, અલંકારો અને કંઈ કંઈ ચડાવી કેટલીય